લાંચનો આરોપઃ DIG ભુલ્લરના ઘરેથી રૂ. સાત કરોડ રોકડા મળ્યા

મોહાલીઃ પંજાબ પોલીસના એક મોટા અધિકારી પર ભ્રષ્ટાચારના કેસમાં CBIએ કડક કાર્યવાહી કરી છે. રૂપનગર રેન્જના DIG હરચરણ સિંહ ભુલ્લરને CBIએ લાંચ લેવાના કેસમાં રંગે હાથ ઝડપી લીધા છે. ધરપકડ બાદ CBIએ તેમના મોહાલી સ્થિત ઘર, ઓફિસ અને અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ  તેમના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ જપ્ત થઈ છે. હાલ નોટોની ગણતરી ચાલુ છે અને CBI આ મામલે નજીકથી નજર રાખી રહી છે.

વ્યવસાયીએ કરી હતી ફરિયાદ

આ આખી કાર્યવાહી એક સ્ક્રેપ ડીલરની ફરિયાદ પરથી શરૂ થઈ હતી. આ ફરિયાદ 11 ઓક્ટોબરે ચંડીગઢ સ્થિત CBI કચેરીમાં નોંધવામાં આવી હતી. વ્યવસાયીનો આક્ષેપ હતો કે DIG ભુલ્લર તેને ધમકાવીને લાંચ માગતા હતા. એની ફરિયાદ અનુસાર ભુલ્લરે તે વ્યવસાયી વિરુદ્ધ ખોટો કેસ નોંધાવ્યો હતો અને તે કેસ રદ કરવા માટે રૂ. આઠ લાખની માગ કરી હતી. આ જ ફરિયાદને આધારે CBIએ તપાસ શરૂ કરી હતી.

રંગે હાથ ઝડપાયા DIG

CBIએ ફરિયાદ મળ્યા બાદ 10 દિવસ સુધી DIG ભુલ્લર પર નજર રાખી. જેમ જ વ્યવસાયીએ લાંચની પહેલો હપતા તરીકે રૂ. પાંચ લાખ આપ્યા, ત્યારે જ CBIની ટીમે દરોડા મારીને DIGને રંગે હાથ ઝડપી લીધા હતા. તપાસ એજન્સીના જણાવ્યા મુજબ આ કાર્યવાહી ચંડીગઢ સ્થિત તેમની ઓફિસમાંથી કરવામાં આવી હતી. આ કેસમાં એક દલાલને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, જે DIG અને વ્યવસાયી વચ્ચે માધ્યમ તરીકે કામ કરતો હતો.

દર મહિને રૂ. 5 લાખની માગ

આ તપાસમાં ખૂલ્યું હતું કે DIG ભુલ્લર ફક્ત એક વખત નહિ, પરંતુ દર મહિને રૂ. પાંચ લાખની સ્થાયી લાંચની માગ કરતા હતા. અધિકારીની આ હરકતથી વ્યવસાયી ખૂબ પરેશાન હતો. અંતે તેણે CBIનો સંપર્ક કર્યો. આ કેસ હવે પંજાબ પોલીસ વિભાગ માટે મોટી બદનામીનું કારણ બન્યો છે, કારણ કે આરોપી અધિકારી વિભાગમાં અત્યંત પ્રભાવશાળી પદ પર હતા.

CBI ટીમે પૂછપરછ કરી

આ ધરપકડ બાદ CBIની ટીમે ચંડીગઢ, રૂપનગર અને મોહાલી સ્થિત તેમના ઘર અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા હતા. પંચકુલા સ્થિત CBI ઓફિસમાં તેમની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી. બાદમાં તેમને ફરી ચંડીગઢ કચેરીમાં લાવવામાં આવ્યા. એજન્સી હવે તપાસી રહી છે કે ભુલ્લર વિરુદ્ધ અન્ય વ્યવસાયો અથવા લોકો પણ આ પ્રકારની ફરિયાદો લઈને આગળ આવે છે કે નહીં.