‘ડંકી રૂટ’ પર બ્રેકઃ અમેરિકાથી 2025માં 3155 ભારતીયો ડિપોર્ટ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ કરનાર અથવા વિઝા નિયમોનો ભંગ કરનાર ભારતીયો સામે અમેરિકી તંત્રની કાર્યવાહી તેજ બની ગઈ છે. શુક્રવારે સરકારે સંસદમાં માહિતી આપી હતી કે 2025માં 21 નવેમ્બર સુધીમાં 3155થી વધુ ભારતીય નાગરિકોને અમેરિકા પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ડિપોર્ટેશનના તમામ કેસ વ્યક્તિની ભારતીય નાગરિકતા ‘વેરિફાય થતાં’ જ આગળ વધે છે.

ત્રણ વર્ષમાં ડિપોર્ટેશન ત્રણ ગણું

સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં અમેરિકા દ્વારા ભારતીયોને ડિપોર્ટ કરવાની સંખ્યામાં ભારે વધારો થયો છે. જોકે વિદેશ મંત્રાલયે તેમની વિશેષ માહિતીને લઈને ઇનકાર કર્યો છે. જેમણે અમેરિકામાં જવા માટે ‘ડંકી રૂટ’ (કાયદા વગર અન્ય દેશોમાં પ્રવેશવાનો રસ્તો)નો ઉપયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2025માં 3155 લોકો, 2024માં 1368 લોકો અને 2023માં 617 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા — જે અગાઉનાં વર્ષોની સરખામણીમાં લગભગ ત્રણ ગણો વધારો દર્શાવે છે.

મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકી અધિકારીઓ સામાન્ય રીતે ગેરકાયદે પ્રવેશ, વિઝાની સમયસીમાથી વધુ રોકાવું, માન્ય દસ્તાવેજોની અછત અથવા ફોજદારી ગુનામાં દોષિત જાહેર થયેલી સ્થિતિમાં લોકોને દેશની બહાર મોકલે છે. આવાં ઓપરેશનોમાં ભારત સરકાર અમેરિકી તંત્ર સાથે મળીને કામ કરે છે.

કુવૈતની જેલોમાં 316 ભારતીયો

વિદેશ મંત્રાલયે અન્ય દેશોમાં ભારતીયોની સ્થિતિ અને રાજદ્વારી પહોંચ સંબંધિત અન્ય મહત્વપૂર્ણ આંકડાં પણ શેર કર્યા. બીજા એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે જણાવ્યું કે સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 31 ઓક્ટોબર, 2025 સુધી કુવૈતની જેલોમાં હાલમાં 316 ભારતીય નાગરિક કેદ છે.