બ્લેક ફ્રાઇડેઃ BSE સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનું સેન્ટિમેન્ટ ખરડ્યું હતું. જેથી સેન્સેક્સ અને નિફ્ટી તૂટીને બંધ રહ્યા હતા. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ જોરદાર વેચવાલી થઈ હતી. FMCG સિવાય BSEના બધા સેક્ટરો ઘટીને બંધ રહ્યા હતા. રોકાણકારોના રૂ. 9.5 લાખ કરોડ સ્વાહા થયા છે.

ટ્રમ્પના વૈશ્વિક ટેરિફ વોરના ડર પછી ચીન અને કેનેડા વળતો ઘા કરવાની ઘમકી આપી છે. જેથી રોકાણકારો ગભરાયેલા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ અનિશ્ચતતા લાંબા સમય સુધી રહેવાની શક્યતા છે. અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓ પર 10 ટકા આયાત શૂલ્ક લગાડ્યો છે અને અન્ય દેશો પર 10 ટકા ટેરિફ લગાડ્યો છે. જેથી સેન્સેક્સ 931 પોઇન્ટ તૂટીને 75,364ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 340 પોઇન્ટ તૂટીને 22,909.40ના સ્તરે પહોંચ્યો હતો. ફાર્મા, IT અને મેટલ શેરોમાં ભારે વેચવાલી થઈ હતી.

ટ્રમ્પે સંકેત આપ્યા હતા કે ફાર્મા સેક્ટર પર તેઓ ટૂંક સમયમાં ટેરિફ લગાડશે. જેથી ફાર્મા શેરોમાં ભારે કડાકો બોલી ગયો હતો. આ સાથે અમેરિકી સ્ટોક માર્કેટમાં 2020 પછીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 ઇન્ડેક્સમાં 4.9 ટકાનો ઘટાડો થયો હતો. આશરે 2.5 અબજ ડોલરનો માર્કેટ વેલ્યુમાં ઘટાડો થયો હતો.

શેરબજારમાં જારી અસ્થિરતા વચ્ચે વિદેશી રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવતાં ફરી એક વાર વેચવાલ રહ્યા હતા. તેમણે ગઈ કાલે રૂ. 2806 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 221.47 કરોડના શેરોની ખરીદી કરી હતી.