ભાજપે અસિમ મુનિરની રાહુલ ગાંધી સાથે કરી તુલના

નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂરને લઈને ભાજપના IT સેલ પ્રમુખ અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. તેમણે એક ફોટો પોસ્ટ કરીને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પર આક્ષેપ કર્યો છે. ફોટામાં અડધી તસવીર રાહુલ ગાંધીની છે અને બાકીની અડધી પાકિસ્તાનના સેનાપ્રમુખ અસીમ મુનિરની. આ ફોટો શેર કરતાં અમિત માલવીયાએ લખ્યું કે રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલી રહ્યા છે.

તેમણે લખ્યું હતું કે આ આશ્ચર્યજનક નથી કે રાહુલ ગાંધી પાકિસ્તાન અને તેના સમર્થકોની ભાષા બોલી રહ્યાં છે. તેમણે ઓપરેશન સિંદૂર માટે વડા પ્રધાનને શુભેચ્છા સુધ્ધાં આપી નથી, જે સ્પષ્ટપણે ભારતની સર્વભૌમતા દર્શાવે છે.

તેમણે વધુમાં લખ્યું છે કે તેઓ (રાહુલ ગાંધી) વારંવાર પૂછે છે કે આપણે કેટલા જેટ ગુમાવ્યા? એક પ્રશ્ન જે પહેલેથી જ DGMOની બ્રીફિંગમાં ઉલ્લેખિત થયો છે.

રસપ્રદ વાત એ છે કે તેમણે એક વાર પણ નથી પૂછ્યું કે અથડામણ દરમિયાન કેટલાં પાકિસ્તાની જેટ તોડી પાડવામાં આવ્યા, અથવા જ્યારે ભારતીય સેના દ્વારા પાકિસ્તાની એરબેઝ પર બોમ્બવર્ષા થઈ ત્યારે કેટલાં વિમાનો હેંગરમાં ઊભાં-ઊભાં નષ્ટ થયાં. રાહુલ ગાંધી હવે આગળ શું કરશે? નિશાન-એ-પાકિસ્તાન મળશે?

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
ઓપરેશન સિંદૂર બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરના એક નિવેદન પર પ્રશ્ન ઉઠાવતાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર નવા આક્ષેપ મૂક્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે આપણા હુમલાથી પહેલાં પાકિસ્તાનને જાણ કરવી એ ગુનો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વિદેશ મંત્રીએ જાહેરમાં સ્વીકાર્યું છે કે ભારત સરકારે એવું કર્યું છે. રાહુલે સવાલ કર્યો છે કે આપણી વાયુસેનાએ કેટલાં વિમાનો ગુમાવ્યાં?