BJPએ કર્ણાટક ચૂંટણી માટે 23 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, નાગરાજ ચબ્બીને ટિકિટ મળી

ભાજપે બુધવારે (12 એપ્રિલ) કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 23 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી. અગાઉ મંગળવારે પાર્ટીએ 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. કોંગ્રેસ નેતા નાગરાજ ચબ્બી, જેઓ તાજેતરમાં ભાજપમાં જોડાયા છે, તેઓ કલઘાટગીથી ચૂંટણી લડશે. કોલાર ગોલ્ડ ફિલ્ડ્સ (KGF)થી SC ઉમેદવાર અશ્વિની સંપાંગી મેદાનમાં છે.

 

આ સાથે કર્ણાટકની કુલ 224 બેઠકોમાંથી, ભાજપે 212 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના સંબંધી અને નજીકના મિત્ર એનઆર સંતોષનું નામ યાદીમાંથી ગાયબ છે. બીજી યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરનું નામ પણ નથી. શેટ્ટર હુબલી-ધારવાડના ધારાસભ્ય છે. તેમણે મંગળવારે દાવો કર્યો હતો કે પાર્ટીએ તેમને ચૂંટણી ન લડવા માટે કહ્યું છે. આ અંગે તેમણે નારાજગી વ્યક્ત કરી છે. શેટ્ટરના આ નિવેદન બાદ તેમને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બુધવારે બીજેપી ચીફ જેપી નડ્ડાને મળ્યા હતા

જગદીશ શેટ્ટરે શું કહ્યું?

જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી, શેટ્ટરે કહ્યું હતું કે તેમણે છ વિધાનસભા ચૂંટણીમાં તેમની જીત અને તેમના અનુભવનો ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે પક્ષ પ્રમુખે કહ્યું હતું કે આ મુદ્દા પર અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવશે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, આ વિકાસ સ્પષ્ટ સંકેત છે કે ભાજપ લિંગાયત સમુદાયના દિગ્ગજ નેતા શેટ્ટરને મેદાનમાં ઉતારી શકે છે. અગાઉ યુવા નેતાઓને તક આપવાના આશયથી પક્ષે વરિષ્ઠ નેતાઓને ટિકિટ ન આપવાનું આયોજન કર્યું હતું.

પ્રથમ યાદીમાં 52 નવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા

ભાજપે મંગળવારે કર્ણાટક ચૂંટણી માટે 189 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. આ યાદીમાં 52 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. મંગળવાર સુધીની યાદી મુજબ, ભાજપે ઓછામાં ઓછા નવ ધારાસભ્યોને ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે, જેમાં મંત્રી અંગારા (સુલિયા મતવિસ્તાર) અને આનંદ સિંહ (વિજયનગર)નો સમાવેશ થાય છે. વિધાનસભા ચૂંટણી માટે નામાંકન ભરવાની પ્રક્રિયા 13 એપ્રિલથી શરૂ થશે અને 20 એપ્રિલ સુધી ચાલશે.