તામિલનાડુમાં ભાજપે AIDMKની સાથે ગઠબંધનનું એલાન કર્યું

નવી દિલ્હીઃ તામિલનાડુમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી થવાની છે, જેથી ભાજપે અત્યારથી એનું આયોજન કરવાનું શરૂ કર્યું છે. ગૃહ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે આજે તામિલનાડુની મુલાકાત દરમિયાન AIADMKના નેતા ઈ પલાનીસ્વામી સાથે ગઠબંધન કર્યું હોવાની જાહેરાત કરી છે. તેમણે ઈ પલાનીસ્વામી અને ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈ સાથે બેઠક યોજી મીડિયા સમક્ષ આગામી તમિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં AIADMK-BJP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી છે.

શાહે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને AIADMK ગઠબંધન સાથે મળી રાષ્ટ્રીય સ્તરે ચૂંટણી લડશે તેમ જ તeમિલનાડુમાં AIADMKના નેતાની આગેવાની હેઠળ ચૂંટણી લડવામાં આવશે. PM મોદી અને રાજ્યના ભૂતપૂર્વ CM જયલલિતાએ સાથે મળી અનેક વર્ષો સુધી રાષ્ટ્રીય સ્તરે રાજકારણમાં કામ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે અમે DMK માટે કોઈ તક નહીં આપીએ. અમે પલાનીસ્વામીના નેતૃત્વમાં ચૂંટણી લડીશું. મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણીમાં NDAનો ફરીથી પ્રચંડ બહુમતી સાથે વિજય થશે. અને તામિલનાડુમાં ફરી એકવાર NDAની સરકાર બનશે.

તામિલનાડુની અંદર DMK પાર્ટી સનાતન ધર્મ અને ત્રણ ભાષા નીતિ જેવા અનેક મુદ્દાઓનો વિરોધ કરી રહી છે. જેનો ઉદ્દેશ પ્રજાને મુખ્ય મુદ્દાઓથી ગેરમાર્ગે દોરવાનો છે. આગામી ચૂંટણીમાં અમે DMK સરકારના ભ્રષ્ટાચાર, કાયદો-વ્યવસ્થા, દલિતો અને મહિલાઓ પર અત્યાચારના મુદ્દાઓ પર લોકોનું ધ્યાન દોરી મત માગીશું. DMK સરકારે રૂ. 39,000 કરોડનું દારૂ કૌભાંડ, સેન્ડ માઈનિંગ સ્કેમ, વીજ કૌભાંડ, ફ્રી ધોતી કૌભાંડ અને પરિવહન કૌભાંડ જેવા અનેક ગોટાળાઓ કર્યા છે, જેનો પાર્ટીએ જવાબ આપવો પડશે.