ભાજપે ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની નવી યાદી કરી જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે તેની પાંચમી યાદી જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં ત્રણ ઉમેદવારોની જાહેરાત કરી છે. લિસ્ટમાં જુઓ કોને ક્યાંથી ટિકિટ મળી. ગુજરાતમાં ભાજપે ચૂંટણી જીતવા માટે તમામ તાકાત લગાવી દીધી છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કા માટે 1 ડિસેમ્બરે અને બીજા તબક્કા માટે 5 ડિસેમ્બરે મતદાન થશે. ગુજરાતમાં ચૂંટણીના પરિણામો 8 ડિસેમ્બરે જાહેર થશે.

ભાજપે કોને આપી ટિકિટ?

ભાજપે પોતાના ઉમેદવારોની નવી યાદીમાં ત્રણ નામ જાહેર કર્યા છે. ભાજપે ખેરાલુ બેઠક પરથી સરદારસિંહ ચૌધરીને, માણસાથી જયંતિભાઈ પટેલ (જેએસ પટેલ) અને ગરબાડા (એસટી)થી મહેન્દ્રભાઈ ભાભોરને ટિકિટ આપી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત બાદ બંને પક્ષોમાં બળવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ભાજપમાં 4 બેઠકો પર મૂંઝવણ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 3 દિવસથી રાજ્યના ભાજપના નેતાઓ સાથે બેઠક કરીને ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. કોંગ્રેસમાં પણ 36 બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી નથી.

અમિત શાહે જીતનો દાવો કર્યો

ગુજરાત ચૂંટણી માટે અમિત શાહે મોટો દાવો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડબ્રેક જીતનો દાવો કર્યો છે. અમિત શાહે 15 નવેમ્બરે કહ્યું હતું કે, ‘ભાજપ આ વિધાનસભા ચૂંટણીમાં તમામ રેકોર્ડ તોડી નાખશે અને મહત્તમ સીટો જીતીને બહુમતી સાથે સરકાર બનાવશે. પીએમ મોદી અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વિકાસના કામોમાં ઝડપ આવી રહી છે. અમિત શાહે વધુમાં કહ્યું કે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સુધરી છે, રાજ્યની અર્થવ્યવસ્થા વધી છે. સીએમ પટેલ ગુજરાતના દલિતો, આદિવાસીઓ અને ઓબીસી સમુદાય માટે પીએમ મોદીના વિકાસ મોડલને અનુસરી રહ્યા છે.