બિહાર વિધાનસભા ચૂંટણીઃ તેજસ્વી યાદવ મુશ્કેલીમાં?

પટના: બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકીય પક્ષો પોતપોતાના સમીકરણો ગોઠવવામાં લાગેલા છે. ચૂંટણી પંચની તૈયારીઓ અને રાજકીય ગઠબંધનોની જાહેરાતો આ વાત સાબિત કરે છે કે આવતા દિવસોમાં બિહારના રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે.

RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવે ચૂંટણી પહેલાં પાંચ પક્ષો સાથે મળીને મેદાનમાં ઉતરવાનું એલાન કરીને પોતાના ભાઈ તેજસ્વી યાદવ સામે મુશ્કેલી ઊભી કરે એવી શક્યતા છે. RJDમાંથી છ વર્ષ પહેલા નીકળ્યા બાદ તેજ પ્રતાપે ટીમ તેજ પ્રતા’ના બેનર હેઠળ પાંચ પક્ષો – વિકાસ વંચિત ઇન્સાન પાર્ટી (VVIP), ભોજપુરિયા જન મોરચા, પ્રગતિશીલ જનતા પાર્ટી, વાજિબ અધિકાર પાર્ટી અને સંયુક્ત કિસાન વિકાસ પાર્ટી – સાથે ગઠબંધન કરવાનું એલાન કર્યું છે.તેમના આ પગલાએ બિહારની રાજકારણમાં હલચલ મચાવી છે. એ સાથે જ તેમણે RJD અને કોંગ્રેસને પણ ગઠબંધનમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે અને કહ્યું છે કે જેને જે વિચારવું હોય તે વિચારે. જાણકારો કહે છે કે તેજ પ્રતાપનું આ નિવેદન તેમના ભાઈ તેજસ્વી યાદવ અને RJD પ્રત્યેની નારાજગી દર્શાવે છે.

મોટો પ્રશ્ન એ છે કે પાર્ટી અને પરિવારથી દૂર બેઠેલા તેજ પ્રતાપ યાદવમાં  છટપટાટ સ્પષ્ટ દેખાઈ રહી છે, પણ શું તેઓ સાચો નિર્ણય લઈ રહ્યા છે? તેજ પ્રતાપ યાદવ સામે સૌથી મોટો પડકાર એ છે કે RJDનું મજબૂત સંગઠન અને તેજસ્વી યાદવની લોકપ્રિયતા. RJDનો મુખ્ય મતદાતા વર્ગ – યાદવ, મુસ્લિમ અને પછાત વર્ગ – હજુ પણ તેજસ્વી યાદવ સાથે મજબૂતીથી જોડાયેલો દેખાય છે.