નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2025-26 દેશના પ્રાઇમરી બજાર માટે અનેક રીતે મહત્વપૂર્ણ રહ્યું. એ દરમિયાન મોટી સંખ્યામાં કંપનીઓએ શેરબજારમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ લિસ્ટિંગ બાદ તેમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. આંકડાઓ મુજબ આ વર્ષે આવેલા 112 મેઇનબોર્ડ IPOમાંથી 52 કંપનીઓના શેર તેમના ઇશ્યુ પ્રાઇસ કરતાં નીચે ટ્રેડ થઈ રહ્યા છે. એટલે કે લગભગ 46 ટકા IPO રોકાણકારોને અત્યાર સુધી નિરાશ કરી ચૂક્યા છે. એક વિશ્લેષણ મુજબ કેટલાક ખાસ સેક્ટરમાં વધુ ઘટાડો જોવા મળ્યો છે. ખાસ કરીને ન્યુ જ ટેક કંપનીઓ, SME જેવા મોડલને મેઇનબોર્ડ પર લાવતી કંપનીઓ અને એસેટ લાઇટ સર્વિસ બિઝનેસ ધરાવતી કંપનીઓના શેરોમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ સેક્ટરમાં રોકાણકારોની અપેક્ષા ઊંચી હતી, પરંતુ પરિણામો એટલા મજબૂત રહ્યા નથી.
કેટલીક કંપનીઓના શેરોમાં ઘટાડો ખૂબ જ વધુ રહ્યો છે. એનલોન હેલ્થકેર, જારો ઇન્સ્ટિટ્યૂટ, VMS TMT, શ્રીરામ ટ્વિસ્ટટેક્સ અને Glottis જેવા શેરો તેમના ઇશ્યુ પ્રાઇસ કરતાં 50 ટકાથી 80 ટકા સુધી નીચે આવી ગયા છે. આથી સ્પષ્ટ છે કે આ IPOમાં રોકાણ કરનાર રોકાણકારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે.
આ ઉપરાંત જેમ એરોમેટિક્સ અને સોલાર સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓ જેમ કે સોલરવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સ, ઓસવાલ પમ્પ્સ, વિક્રમ સોલર, અને GK એનર્જીના શેરોમાં પણ 50 ટકાથી વધુ ઘટાડો જોવા મળ્યો છે. સોલાર સેક્ટર અંગે પહેલા ઘણી આશાઓ હતી, પરંતુ બજારમાં ઉતાર-ચઢાવ અને વેલ્યુએશન અંગેની ચિંતાઓએ આ શેરો પર દબાણ બનાવ્યું છે.
પાઇન લેબ્સ, HDB ફાઇનાન્સિયલ સર્વિસિસ, ફિઝિક્સવાલા અને JSW સિમેન્ટ જેવી મોટી કંપનીઓના શેરો પણ લિસ્ટિંગ બાદ સારું પ્રદર્શન કરી શક્યા નથી. આંકડાઓ મુજબ આ શેરો તેમના IPO પ્રાઇસથી નીચે ટ્રેડ થઈ રહ્યા છે અને લિસ્ટિંગ બાદ મળેલો શરૂઆતનો નફો પણ ખતમ થઈ ગયો છે. વિશ્લેષકોનું માનવું છે કે આ એક મોટો સંકેત છે કે IPOમાંથી તરત નફો કમાવાનો સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે વિત્ત વર્ષ 2026માં 112 કંપનીઓએ રેકોર્ડ રૂ. 1.78 લાખ કરોડ એકત્ર કર્યા હતા.




