ભચાઉ: કચ્છનાં ભચાઉ નજીક થોડા સમય પહેલા પોલીસકર્મીની હત્યાનો પ્રયાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની પોલીસે અટકાયત કરી છે. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ કર્યો છે. હત્યાનાં પ્રયાસમાં નીચલી કોર્ટે આપેલા જામીનને સેશન્સ કોર્ટે રદ્દ કર્યા છે.
ભચાઉ પોલીસને બાતમી મળી હતી કે ભચાઉ નજીક સફેદ રંગની થાર કારમાં કેટલાંક લોકો દારૂની હેરાફેરી કરી રહ્યા છે. જેના આધારે સફેદ રંગની થારને પકડી પાડી હતી. જેમાં બુટલેગર યુવરાજ સિંહ સાથે લેડી કોન્સ્ટેબલ નીતા ચૌધરી બેઠી હતી. પોલીસકર્મીઓ કારની નજીક પહોંચ્યા કે તરત જ ચાલકે તેમને કચડવાના પ્રયાસ કર્યો હતો અને થાર ગાડી ભાગવી મૂકી હતી. બાદમાં થાર કારને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓએ કારની પાછળ ગોળીબાર કર્યો હતો. કાર્યવાહી દરમિયાન કારની અંદરથી દારૂની બોટલો મળી હતી.ધરપકડ કરાયેલ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી છે, પૂર્વ કચ્છના ગાંધીધામમાં CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં તૈનાત છે. મહિલા કોન્સ્ટેબલ સાથે ઝડપાયેલા બુટલેગર સામે દારૂની હેરાફેરી સહિત 16થી વધુ ગુના નોંધાયેલા છે. પોલીસે બંને ગુનેગારોની ધરપકડ કરી છે. બંને સામે પોલીસકર્મીઓની હત્યાના પ્રયાસ સહિત ગેરકાયદેસર દારૂની હેરાફેરીની કલમો નોંધવામાં આવી છે.