વડોદરાઃ શહેરમાં BAPSના વર્તમાન અધ્યક્ષ મહંત સ્વામી મહારાજનો ૯૨મો જન્મજયંતી મહોત્સવ ૨ ફેબ્રુઆરી, ૨૦૨૬એ સાંજે પાંચથી આઠ વાગ્યા દરમિયાન APMC માર્કેટ નજીક, નેશનલ હાઈવે-૪૮’ખાતે ભવ્યતાપૂર્વક ઊજવવામાં આવશે.
પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી તરીકે તેઓ BAPS સંસ્થાનાં વૈશ્વિક સેવા-કાર્યોનું સુકાન સંભાળી રહ્યા છે. તેમની નિશ્રામાં વિશ્વભરના ૧૮૦૦થી વધુ મંદિરોમાં સનાતન વૈદિક ધર્મના સંસ્કારોનું જતન થઈ રહ્યું છે. વિશ્વના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી મોટા હિન્દુ મંદિર એવા રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામથી લઈને મિડલ ઈસ્ટમાં સૌપ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એવા અબુ ધાબી સ્થિત ‘BAPS હિન્દુ મંદિર’ જેવાં અનેક મંદિરોના નિર્માણ દ્વારા તેમણે સનાતન પરંપરાનો અભૂતપૂર્વ જયઘોષ કર્યો છે.
મહોત્સવમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સ્વામીનું કરાશે બહુમાન
આ મહોત્સવમાં ઈંગ્લેન્ડથી ગિનિસ વર્લ્ડ રેકોર્ડસના અધિકારીઓ દ્વારા સ્વામીનું બહુમાન કરવામાં આવશે.
બહુમાન ૧: ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકો દ્વારા સંસ્કૃત શ્લોકોના મુખપાઠ બદલ
મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી BAPS સંસ્થાના ૧૫,૦૦૦ કરતાં વધુ બાળકોએ સત્સંગદીક્ષા ગ્રંથનો સંસ્કૃતમાં સંપૂર્ણ મુખપાઠ કર્યો છે. મહંત સ્વામી મહારાજ દ્વારા રચિત ૩૧૫ શ્લોકો ધરાવતો સત્સંગદીક્ષા ગ્રંથ ઉન્નત જીવનની પ્રેરણા પૂરી પાડે છે.
બહુમાન ૨: વિશ્વમાં સૌથી વધુ હિન્દુ મંદિરોના વિક્રમી સર્જન કરવા બદલ
પ્રમુખસ્વામી મહારાજે ૨૦૧૬ સુધીમાં તેમના જીવનકાળમાં ૧૨૦૦ હિન્દુ મંદિરોનું નિર્માણ કર્યું હતું. પ્રમુખસ્વામી મહારાજ વતી મહંત સ્વામી મહારાજ આ બહુમાન સ્વીકારશે. અત્યાર સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા પ્રમુખસ્વામી મહારાજ અને BAPS સંસ્થાને સાંસ્કૃતિક સિદ્ધિઓ માટે ૫ રેકોર્ડસ્ એનાયત કરવામાં આવ્યા છે.
મહંત સ્વામી મહારાજના ૯૨મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે BAPS સંસ્થા દ્વારા અનેક વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં – લાભ પાંચમના દિવસે ૧૪૦ ઔદ્યોગિક એકમોમાં સંસ્થાના બાળવિદ્વાનો દ્વારા મહાપૂજા, સૂરસાગર તળાવ ખાતે ૧૨૯૨ બાળ-બાલિકાઓ દ્વારા ૨૯૨ કુંડ પર વિશ્વશાંતિ યજ્ઞ, મહંત સ્વામી મહારાજના જન્મસ્થાન જબલપુરથી વડોદરા સુધી ૯૨ યુવાનો દ્વારા મશાલયાત્રા, મહારક્તદાન કેમ્પ, તેમ જ BAPS મહિલા પ્રવૃત્તિ અંતર્ગત ૭૨૦૦ જેટલી વિશિષ્ટ પ્રેરણા સભાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.વડોદરા શહેરમાં હરિભક્તો દ્વારા એક લાખ કરતાં વધુ ઘરોની રૂબરૂ મુલાકાત લઈ સૌ ભાવિકોને મહોત્સવમાં જોડાવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

