નવી દિલ્હીઃ આ વર્ષની શરૂઆતમાં થયેલી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં યમુનાની સફાઈ એક મોટું મુદ્દો બન્યો હતો. ભાજપે કહ્યું હતું કે કેજરીવાલના 10 વર્ષના શાસન દરમિયાન યમુના સાફ થઈ નથી અને હવે તે યમુનાને સાફ કરવા માટે મોટે પાયે પગલાં ભરશે, પણ યમુના અંગે આવેલા દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC)ના તાજો રિપોર્ટ ખૂબ જ ખરાબ ચિત્ર દર્શાવે છે.
આ રિપોર્ટ જણાવે છે કે જૂનની સરખામણીએ જુલાઈમાં નદીમાં પ્રદૂષણનું સ્તર ઘણું વધી ગયું છે. તાજો રિપોર્ટ 17 જુલાઈએ આવ્યો છે અને નદીમાંથી નમૂનાઓ પહેલી જુલાઈએ લેવામાં આવ્યા હતા. યમુના નદી પલ્લા વિસ્તારમાંથી દિલ્હીમાં પ્રવેશે છે અને લગભગ 22 કિલોમીટર સુધી વહે છે.નદીમાં ફિસલ કોલિફોર્મ બેક્ટેરિયાનું સ્તર ખૂબ જ વધારે છે. ITO ખાતે તેનો સ્તર 92,00,000 MPN/100 ml હતો, જે નિર્ધારિત મર્યાદાથી 4000 ગણો વધુ છે. આથી જાણવા મળે છે કે યમુનામાં સતત સિવરેજનો પ્રવાહ વધી રહ્યો છે.
આ ઉપરાંત, પલ્લામાં BOD (Biochemical Oxygen Demand) 8 mg/l મળી હતી, જ્યારે CPCB અનુસાર સુરક્ષિત મર્યાદા માત્ર 3 mg/l છે. BOD પાણીની ગુણવત્તાનો એક મહત્વપૂર્ણ માપદંડ છે. ITO નજીક BODનો સ્તર 70 mg/l સુધી પહોંચ્યો છે, જે ખુબ જ ખરાબ સ્થિતિ દર્શાવે છે. અસગરપુર વિસ્તારમાં BOD 24 mg/l રહ્યો, જે થોડી યોગ્ય સ્થિતિ બતાવે છે, પરંતુ હજુ પણ સુરક્ષિત મર્યાદાથી ઘણો વધુ છે.આ બધાથી સ્પષ્ટ થાય છે કે યમુનામાં હજી પણ વિશાળ પ્રમાણમાં ગંદું પાણી પ્રવાહિત થઈ રહ્યું છે. દિલ્હીમાં 22 નાળાઓ સીધા યમુનામાં જાય છે.
