નવી દિલ્હીઃ નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)ના ધોરણ- આઠના સોશિયલ સાયન્સના પુસ્તકમાં મુઘલ શાસક બાબરને ‘ક્રૂર અને નિર્દયી શાસક’ તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે બાબરે ઘણાં શહેરોમાં અનેક લોકોને મારી નાખ્યા હતા. આ પુસ્તકને લઈને આગામી દિવસોમાં દેશમાં મોટો વિવાદ થવાની શક્યતા છે.
અકબરના શાસનને પુસ્તકમાં “ક્રૂરતા અને સહિષ્ણુતા”નું મિશ્રણ ગણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, પુસ્તકમાં લખ્યું છે કે મુઘલ શાસક ઔરંગઝેબે મંદિરો અને ગુરુદ્વારો તોડી પાડ્યાં હતાં. આ પુસ્તક મુઘલ સલ્તનતના સમયગાળાની ચર્ચા કરે છે અને તેમાં તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિઓની પણ વિશદ રીતે ચર્ચા કરવામાં આવી છે. NCERTએ જણાવ્યું છે કે આ બાબતો પુસ્તકમાં “Note on Some Darker Periods in History” રૂપે રજૂ કરવામાં આવી છે. જોકે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે ભૂતકાળની ઘટનાઓ માટે આજના સમયમાં કોઈને જવાબદાર ઠેરવવા યોગ્ય નથી.
ધોરણ આઠના સોશિયલ સાયન્સના આ પુસ્તકનો ભાગ 1 ‘Exploring Society: Indian and Beyond’ આ અઠવાડિયે રિલીઝ કરવામાં આવ્યો છે. અગાઉ આ વિષયો ધોરણ સાતમાં આવતા હતા, પણ હવે મુઘલો અને મરાઠાઓ સંબંધિત તમામ માહિતી માત્ર ધોરણ 8માં જ આવશે.
ભારતના ઇતિહાસના 13મીથી 17મી સદી વચ્ચેની ઘટનાઓને ‘Reshaping India’s Political Map’ નામના અધ્યાયમાં સમાવિષ્ટ કરવામાં આવી છે. તેમાં દિલ્હી સલ્તનત, વિજયનગર સામ્રાજ્ય, મુઘલ શાસન અને તેનો વિરોધ તથા શીખોના આગમન વિશે માહિતી આપવામાં આવી છે. આ પુસ્તકમાં લખાયું છે કે કેવી રીતે મુઘલ સેના ગામડાં અને શહેરોમાં લૂંટ ચલાવતી હતી તથા મંદિરો તોડતી હતી એ પણ ઉલ્લેખાયું છે.
મુઘલ શાસન દરમિયાન બૌદ્ધ, જૈન અને હિન્દુ મંદિરોની મૂર્તિઓ પર ઘણા હુમલા થયા હતા અને આ માત્ર લૂંટ માટે નહોતા, પણ ઘણી વખત મૂર્તિપૂજાના વિરોધ રૂપે પણ આવા હુમલાઓ થતા હતા.
