ગુજરાતમાં હવે પરીક્ષાના પેપર ફુટવા જાણે કે સામાન્ય થઈ ગયું હોય. છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે જેના પગલે યુવાનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જાણે કે તેમની સાથે મજાક કરવામાં આવી રહી હોય. ગુજરાતમાં ફરી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષાનું પેપર ફૂટયું અને ઉમેદવારોની આશા પર પાણી ફરી ગયું. વડોદરાથી ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે.
આજે રાજ્યભરમાં લેવાનાર જુનીયર ક્લાર્કની પરીક્ષા છેલ્લી ઘડીએ મોકૂફ રાખવામાં આવનાર હોવાની જાહેરાત ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે ભુપેન્દ્ર પટેલની નવી સરકાર પોતાની પ્રથમ જ પરીક્ષામાં નાપાસ થઈ છે તે સ્પષ્ટ જણાઈ આવે છે. મળતી માહિતી મુજબ ગુજરાત, બિહાર અને ઓરિસ્સામાં પેપર લીક થવાનું કનેક્શન સામે આવ્યું છે. જો કે ઉમેદવારોમાં પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી છે. ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે, જુનિયર ક્લાર્કનું પેપર વડોદરાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. તેને લઈને વડોદરામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસમાં ATSની ટીમ પહોંચી હતી અને ત્યાં હાજર 15 જેટલા શખ્સોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલા કે.એલ પ્રેસ પ્રિન્ટિંગમાંથી પેપર લીક થયું હોવાનો ખુલાસો થયો હતો.
તપાસમાં ગુજરાત, બિહાર અને ઓરિસ્સાનું કનેક્શન સામે આવ્યું
પેપર લીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત સહિત અને રાજ્યોનું કનેક્શન હોવાની પણ માહિતી સામે આવી છે. મળતી માહિતી મુજબ ગુજરાત, બિહાર અને ઓરિસ્સાનું કનેક્શન સામે આવ્યું હતું. પેપર લીક કરતાં પહેલાં તમામ આરોપીઓ વડોદરાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ્વ કરવાના હતા. જેનો મોડી રાત્રે બેથી ચાર વાગ્યાનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ્વ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં. ATSની ટીમે બરોડામાંથી પેપર લીક કરનારા કેતન બારોટ, ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક, અનિકેત ભટ્ટ, રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 15 લોકોની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ હાલ હૈદરાબાદથી એટીએસને ટીમે જીત નાયકની પણ અટકાયત કરી છે. ઓરિસ્સાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી લઈને ગુજરાત આવ્યો હતો. જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો હતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપે સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ આખરે આ તમામ આરોપીઓ સકંજામાં આવી ગયા હતા. હાલ એટીએસ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને 16 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
ગુજરાતમાં ક્યારે કયું પેપર લીક થયું?
- 2014માં GPSC ચીફ ઓફિસરની પરીક્ષાનું પેપર લીક થયું
- 2015માં તલાટીની પરીક્ષાનું પેપર લીક થયું
- 2016માં જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલી તલાટીની પરીક્ષાનું પેપર લીક થયું
- 2018માં TAT-શિક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું
- 2018માં મુખ્ય-સેવિકાની પરીક્ષાનું પેપર લીક થયું
- 2018માં નાયબ ચિટનિસની પરીક્ષાનું પેપર લીક થયું
- 2018માં LRD-લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થયું
- 2019માં બિનસચિવલય કારકુનની પરીક્ષાનું પેપર લીક થયું
- 2021માં હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું
- 2021માં DGVCL વિદ્યુત સહાયકની પરીક્ષાનું પેપર લીક થયું
- 2021માં સબ ઓડીટરની પરીક્ષાનું પેપર લીક થયું
- 2022માં વનરક્ષકની પરીક્ષાનું પેપર લીક થયું
- 2023માં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું