108 વર્ષની ઉંમરે આ જાપાની મહિલા આજે પણ છે કાર્યરત, શું છે વ્યવસાય?

ટોક્યો: 1937માં જાપાન ચીન યુદ્ધમાં હાકોઇશીના પતિ સૈનિક તરીકે જોડાયા અને ચીન સાથેની ભીષણ લડાઇમાં માર્યા ગયા હતા. હાઇકોશીને પતિના મુત્યુથી આઘાત તો ખૂબ લાગ્યો પરંતુ બંન્ને બાળકોના લાલન પાલનની જવાબદારી માથે ઉપાડી લીધી હતી. આથી તેમણે સલૂન ચલાવવાનું શરૂ કર્યું.

જાપાનમાં 10 નવેમ્બર 1916માં જન્મેલા શિતસુઇ હાકોઇશી નામના આ મહિલા 108 વર્ષના છે. આટલી જૈફ વયે પણ તેઓ પોતાનું સલુન ચલાવે છે. વાળમાં ફરતી આંગળીઓ અને કાતર ચલાવવાનો અંદાજ અનોખો છે. 100 વર્ષનું આયખું વટાવ્યા પછી પણ તેમના ઉત્સાહમાં કોઇ જ કમી આવી નથી. ગત સપ્તાહે શિતસુઇ હાકોઇશીએ દુનિયાના સૌથી ઉંમરલાયક વાળ કાપતા મહિલા તરીકે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો.

પૂર્વી જાપાનના નાકાગાવા કસ્બામાં યોજાયેલા એવોર્ડ સમારંભમાં તેમના 85 વર્ષના અને 81 વર્ષના પુત્રીઓ પણ હાજર રહ્યા હતા. 108 વર્ષના આ મહિલા વિશ્વની સૌથી વૃધ્ધ બાર્બર હોવાનું ગૌરવ મેળવીને ખુશ જોવા મળતા હતા. આ પ્રસંગે તેમણે પોતાનું દિલ આનંદથી ભરાઇ ગયું હોવાની પ્રતિક્રિયા આપી હતી. અગાઉ સૌથી ઉંમરલાયક બાર્બર મહિલાનું બિરુદ ન્યૂયોર્કના એંથની માનસિનેલીના નામે હતું. માનસિનેલી હવે આ દુનિયામાં હયાત નથી. પરંતુ શિતસુઇ  હાકોઇશી ખૂબજ સ્વસ્થ જણાય છે. હાકોઇશીએ 14 વર્ષની નાની ઉંમરે વાળ કાપવાની કળા ટોકયોમાં શિખી હતી. 20 વર્ષની ઉંમરે તેમને વ્યવસાયિક બાર્બર હોવાનું પ્રમાણપત્ર મળ્યું હતું. લગ્ન થયા પછી પતિ-પત્નીએ ટોકયોમાં બાર્બરશોપ ખોલી હતી.  બીજા વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકી સૈનિકોએ ટોક્યો પર બોંબમારો કરતા તેમનું ઘર પણ બળીને રાખ થઇ ગયું હતું.  જીવ બચાવવા માટે હાકોઇશી બાળકોને લઇને ટોક્યોથી પોતાના ગામ નાકાગાવા આવી ગયા હતા. પોતાના ગામમાં બાળકોના ઉછેરની સાથે રિહાત્સુ હાકોઇશુ નામનું સલુન ખોલ્યું હતું. જાપાની ભાષામાં રિહાત્સુનો અર્થ બાર્બર થાય છે. હાકોઇશુ હજુ પણ ઉત્સાહથી પોતાનું કામ કરતા રહેવાનું નકકી કર્યુ છે. તે આવનારા 109મા જન્મ દિવસને શાનદાર રીતે ઉજવવા માગે છે અને 110 વર્ષ સુધી આકરી મહેનત ચાલુ રાખવા ઇચ્છે છે.