અમેરિકામાં વધુ એક ગુજરાતીની ધરપકડ

અમદાવાદઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની ધરપકડ કરવામાં આવી છે.  ભાગ્ય પટેલ નામના આ યુવક પર એક અમેરિકન સિટિઝન પાસેથી 40,000 ડોલર પડાવવાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ભાગ્ય પટેલને મસૌરીની વેરનોન કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા અરેસ્ટ કરવામાં આવ્યો છે.

આ કેસમાં પોલીસને ત્રીજી એપ્રિલે એક સિટિઝન સાથે 40,000 ડોલરનું કૌભાંડ થયું હોવાનો રિપોર્ટ મળ્યો હતો જેના પર કાર્યવાહી કરતાં પોલીસે તે જ દિવસે આરોપી ભાગ્ય પટેલને ઝડપી લીધો હતો તેમ જ તેની પાસેથી 37,000 ડોલર કેશ પણ જપ્ત કરવામાં આવ્યા હતા, હાલ આ કેસની તપાસ ચાલુ છે અને ભાગ્ય પટેલ પર ચોરી અને મની લોન્ડરિંગના ચાર્જિસ લગાવાય તેવી શક્યતા છે.

ભાગ્ય પટેલને હાલ બે લાખ ડોલરના કેશ બોન્ડ પર રાખવામાં આવ્યો છે, તેને અરેસ્ટ કરવામાં મસૌરીની વોરનોન અને નેવાડા પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આરોપી ભાગ્ય પટેલ અમેરિકામાં ક્યારથી રહે છે, તેની ઉંમર કેટલી છે તેમ જ તેનું ઈમિગ્રેશન સ્ટેટસ શું છે તેની કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.

ટ્રમ્પની સેકન્ડ ટર્મમાં અમેરિકામાં આ પ્રકારના ક્રાઈમ ખાસ્સા ઘટી ગયા હતા, પરંતુ છેલ્લા બે મહિનામાં તેમણે ફરી માથું ઊંચક્યું છે અને આ ગાળામાં લગભગ પાંચેક ગુજરાતીઓ તેમાં અરેસ્ટ થયા છે, જ્યારે જેમના પકડાયાની કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પણ તેનો આંકડો તેનાથી પણ વધુ હોઈ શકે છે.