તિરુપતિ પ્રસાદ વિવાદ: અમૂલે અમદાવાદ સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ: તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદનો વિવાદ હવે અમદાવાદ પહોંચી ગયો છે. તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી અને ફિશ ઓઇલની પુષ્ટિ થઇ હતી. ત્યારે આ પ્રસાદ માટેનું ઘી અમુલ દ્વારા પૂરું પાડવામાં આવતું હોવાની અફવા ફેલાવવામાં આવી છે. અફવાના પગલે અમુલ તરફથી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં અમુલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

અમૂલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમે સ્પષ્ટતા કરવા માંગીએ છીએ કે અમૂલે ક્યારેય TTDને ઘી આપ્યું નથી. અમારું ઘી ISO પ્રમાણિત સુવિધાઓમાં ઉચ્ચ ગુણવત્તાવાળા દૂધમાંથી બનાવવામાં આવે છે.” અમુલે ટ્વિટ કરીને સમગ્ર મામલે ખુલાસો કર્યો છે.

અલગ-અલગ સાત પ્રોફાઇલ ધરાવતા શખ્સો દ્વારા અમૂલ અંગેની અફવા ફેલાવાઇ હતી, કે એનિમલ ફેટવાળુ ઘી અમુલ દ્વારા સપ્લાય કરવામાં આવ્યું હતું. આ મામલે સાઇબર ક્રાઇમ દ્વારા ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.