અમદાવાદ: ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) એ 77 વર્ષ જૂની પ્રતિષ્ઠિત સંસ્થા અને ભારત સરકારના અવકાશ વિભાગનું એક એકમ છે. જ્યારે અમદાવાદ યુનિવર્સિટી, એક અગ્રણી ખાનગી સંશોધન સંસ્થાન છે. જે શિક્ષણ પ્રત્યેના તેના નવીન અભિગમ, આંતર શાખાકીય માળખા માટે જાણીતી છે. PRL અને અમદાવાદ યુનિવર્સિટીએ સાથે મળીને ભૌતિકશાસ્ત્ર, જીઓસાયન્સ, ખગોળશાસ્ત્ર, પ્લેનેટરી સાયન્સ અને સ્પેસ એક્સપ્લોરેશનના પસંદગીના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન અને શૈક્ષણિક સહકારને પ્રોત્સાહન આપવા માટે એક સમજૂતી પત્ર (MOU) પર હસ્તાક્ષર કર્યા છે. સાથે મળીને આ બંન્ને સંસ્થાઓ સંયુક્ત સંશોધન પહેલને પ્રોત્સાહન આપવા, શૈક્ષણિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા તેમજ અદ્યતન સંસાધનો અને સુવિધાઓની ઍક્સેસ એકબીજાને આપવા માટે પ્રયત્નશીલ રહેશે.PRL અને અમદાવાદ યુનિવર્સિટી બંન્નેની સ્થાપક સંસ્થા, અમદાવાદ એજ્યુકેશન સોસાયટી છે. આ બંન્ને સંસ્થાઓ વચ્ચે થયેલાં MOUના કારણે સંસ્થાઓની ફેકલ્ટીને, રિસર્ચ ફેલોને તેમજ વિદ્યાર્થીઓને સંશોધન ચર્ચાઓ, વૈજ્ઞાનિક સેમિનાર, વર્કશોપ અને કોન્ફરન્સના સંયુક્ત સંગઠન દ્વારા એકબીજા સાથે જોડાવાથી પ્રોત્સાહન મળશે. રિસર્ચ ફેલો અને વિદ્યાર્થીઓ બંન્ને સંસ્થાઓમાં અભ્યાસક્રમો અને વ્યાખ્યાનોમાં ભાગ લઈ શકશે અને બંને સંસ્થાઓમાં ફેકલ્ટીનો સાથે લાભ મેળવી શકશે.
આ પ્રસંગે અમદાવાદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રાએ જણાવ્યું, “આ ભાગીદારી દ્વારા, અમારો ઉદ્દેશ્ય ઈનોવેશનને તેમજ ઈનોવેશનની ઈકોસિસ્ટમને પ્રોત્સાહન આપવાનો છે. PRL સાથે જોડાઈને, અમે અમારા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી માટે અત્યાધુનિક વૈજ્ઞાનિક સંશોધનમાં જોડાવા અને વૈજ્ઞાનિક પ્રગતિમાં અર્થપૂર્ણ યોગદાન આપવા માટે નવા રસ્તાઓ ખોલી રહ્યા છીએ.”PRLના ડાયરેક્ટર પ્રોફેસર અનિલ ભારદ્વાજે જણાવ્યું, “અમને અમદાવાદ યુનિવર્સિટી સાથે આ ભાગીદારી શરૂ કરવાનો આનંદ છે. PRL ભૌતિકશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાનના વિશિષ્ટ ક્ષેત્રોમાં દેશની સેવા કરવા માટે સાત દાયકાથી વધુનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. બંન્ને સંસ્થાના સહયોગથી વધુ નવીનતમ સંશોધનો થશે. અમદાવાદ યુનિવર્સિટી અને PRLના સંસાધનો તેમજ કુશળ ફેકલ્ટી સાથે મળીને એટમોશફિયર સાયન્સથી લઈને એસ્ટ્રોનોમી, ગ્રહોની શોધખોળ અને ક્વોન્ટમ ટેકનોલોજી સુધીના વિવિધ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ અને પડકારજનક પ્રશ્નોને સંબોધિત કરશે.”