અમદાવાદ: શહેરની ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્રના માર્ગદર્શનમાં આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત યુવા મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા અને અચૂક મતદાનના શપથ લેવડાવવા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં તમામ વિદ્યાર્થિનીઓએ મતદાન જાગૃતિ અંગેના વિવિધ બેનર્સ દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા.
ઉમિયા આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજના પ્રથમ વખત મતદાન કરનાર વિદ્યાર્થિનીઓ દ્વારા આ રેલી યોજવામાં આવી હતી. જેમાં ભારતના ચૂંટણી પંચના નિર્દેશાનુસાર વિદ્યાર્થિનીઓને પ્રેઝન્ટેશન દ્વારા ચૂંટણીલક્ષી અને મતદાન જેવી બાબતોની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી.
વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલ તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પ્રથમ વખત મતદાન કરનાર તમામ વિદ્યાર્થીનીઓએ દેશહિતમાં અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.