અમદાવાદ: રાજ્યમાં ઉનાળો જામી રહ્યો છે. ત્યારે વસ્તી અને વાહનોથી ધમધમતા અમદાવાદ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં આગ ઝરતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર સાબદું બન્યું છે. અખબારો, સોશિયલ મીડિયા અને એલ.ઈ.ડી. હોર્ડિગ્સ પાટિયાં જેવા અનેક માધ્યમો દ્વારા હીટવેવથી બચવા સૂચના અને સૂચનો અપાઈ રહ્યા છે.ગરમીથી બચવા લોકોએ કેવા કપડાં પહેવા, કામ વગર કાળઝાળ ગરમીમાં બહાર ના નીકળવું , ગરમીમાં સ્ટ્રોકથી બચવા લૂ ના લાગે એ માટે સાવચેતી રાખવી..જેવા અનેક સૂચનો સાથેના બેનર્સ લગાવવામાં આવી રહ્યા છે.
આ વર્ષે ગુજરાતના અનેક શહેરોમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ ખૂબ ઝડપથી તાપમાન વધી રહ્યું છે. વિશ્વભરમાં 2023નું વર્ષ સૌથી ગરમ રહ્યું છે. ગત માર્ચ મહિનો અત્યાર સુધીનો સૌથી ગરમ મહિનો રહ્યો છે. જેના આધારે હીટ વેવની આ ચેતવણી આપવામાં આવી છે. વધતી જતી ગરમી સામે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે અને સ્થિતિને જો કાબૂમાં લેવામાં નહીં આવે તો કેવી પરિસ્થિતિ સર્જાશે તેના વિશે ચેતવી રહ્યા છે. ગરમીના પ્રકોપને ધ્યાનમાં રાખી હોસ્પિટલો, સરકાર અને ખાનગી સ્વૈચ્છિક સંસ્થાઓ મનુષ્ય સાથે અન્ય જીવોની દરકાર કરવા સજ્જ થઈ ગયા છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)