અમદાવાદ: મહાનગર પાલિકાએ તાજેતરમાં સ્વચ્છ સર્વેક્ષણ ઝુંબેશને એકદમ તેજ બનાવી છે. શહેરમાં ગંદકી ઓછી થાય, માર્ગ પર લારી ગલ્લાનું દબાણ ઘટે અને એનાથી ફેલાતી બદીઓ દૂર થાય. એના માટે A.M.Cના તમામ વિભાગ સક્રિય છે. શહેરમાં ઈલેક્ટ્રોનિક્ હોર્ડિંગ્સ અને જાહેર માર્ગની દિવાલો પર તો સ્વચ્છતા સંદેશના ભીંત ચિત્રો મૂકાયા છે.આ સાથે મોટાભાગના સર્કલ ઉપર પણ સ્વચ્છતાના સંદેશ મૂકવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. શહેરમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય એ માટે કપડાંની કે કાગળની થેલી વપરાય એ સંદેશ સાથે લો ગાર્ડન પાસેના સર્કલ પર થીમ ઉભી કરવામાં આવી છે.
લો ગાર્ડન વિસ્તાર શિક્ષણ, વેપાર અને ખાણી પીણીથી ધમધમતો વિસ્તાર છે. એટલે તમામ વર્ગના લોકોથી આ વિસ્તાર ભરચક રહે છે. આ મુખ્ય સર્કલ પર A.M.C. દ્વારા હાથમાં પકડેલી સુંદર થેલીનું પ્રતીક તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં એક તરફ શહેરના ઘન કચરાને એકઠો કરી વિજળી ઉત્પન્ન કરવામાં આવે છે. કેન્દ્રના મંત્રી અમિત શાહ એ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરતા હોય એવા સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.
બીજી તરફ થેલી પર પરંપરાગત ચિત્રની ડિઝાઇન મૂકવામાં આવી છે. આવું જ એક સર્કલ કાંકરિયા વિસ્તારમાં પણ તૈયાર કરવામાં આવ્યું છે… હાલ અમદાવાદના તમામ વિસ્તારોમાં અવનવા સકારાત્મક સંદેશ આપતાં સર્કલ બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને પર્યાવરણ બચે. એટલેજ એક સૂત્ર આપ્યું છે..RRR ( REDUCE- REUSE- RECYCLE). મારું શહેર મારુ ગૌરવ..
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
