અમદાવાદ: 8 અને 9 માર્ચે છઠ્ઠા ગુજરાત વિન્ટેજ એન્ડ ક્લાસિક કાર ક્લબ (GVCCC) હેરિટેજ કાર શોનું આયોજન અમન આકાશ પાર્ટી પ્લોટ ખાતેે કરવામાં આવ્યું છે. GVCCC અને હાઉસ ઓફ અમન આકાશ દ્વારા આયોજિત, આ કાર્યક્રમમાં 125થી વધુ દુર્લભ વિન્ટેજ કાર અને મોટરસાયકલ પ્રદર્શિત કરવામાં આવશે, જે ઓટોમોબાઈલના ઉત્ક્રાંતિની ઝલક રજૂ કરશે.આ કાર્યક્રમનું ઉદ્ઘાટન બારવાનીના મહારાજા માનવેન્દ્ર સિંહજી દ્વારા કરવામાં આવશે. જે કાર રસિકો, ઇતિહાસ પ્રેમીઓ અને સંગ્રહકોને આકર્ષિત કરશે. મુલાકાતીઓને ઓટોમોટિવ ઇતિહાસના કેટલાંક શ્રેષ્ઠ ઉદાહરણો જોવાની તક મળશે. જેમાં પ્રખ્યાત 1950 MG YT, જેને લાલપરી તરીકે પણ ઓળખવામાં આવે છે, જે 14 દેશોમાં 13,500 કિમીની નોંધપાત્ર મુસાફરી પૂર્ણ કરનારી ભારતની પ્રથમ વિન્ટેજ કાર છે. તેને પણ પ્રદર્શિત કરવામાં આવશે.
અન્ય મુખ્ય આકર્ષણોમાં 1956 શેવરોલે બેલ એરનો સમાવેશ થાય છે, જે ત્રણ પેઢીઓથી એક જ પરિવાર પાસે છે, અને 1956 ડોજ સબર્બન, જે અમદાવાદના પ્રથમ પોલીસ કમિશનરની કાર હતી.
GVCCCના સ્થાપક અને પ્રમુખ સુબોધ નાથે જણાવ્યું હતું કે, “અમે પાંચ વર્ષના અંતરાલ પછી અમદાવાદમાં હેરિટેજ કાર શો લાવવાનો આનંદ માણીએ છીએ. આ વાહનો આધુનિક પરિવહનનો પાયો રજૂ કરે છે, અને અમે ભવિષ્યની પેઢીઓ માટે તેમને ઉજવવા અને સાચવવાનો ધ્યેય રાખીએ છીએ. આ શો વિન્ટેજ સુંદરતાને જોવાની એક દુર્લભ તક છે અને અમે અમદાવાદના લોકોને આ ભવ્ય કાર્યક્રમનો ભાગ બનવા માટે આમંત્રિત કરીએ છીએ.”
કાર શો 8 માર્ચે સવારે 11:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી અને 9 માર્ચે સવારે 10:00 થી રાત્રે 9:00 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માતા-પિતા સાથે પ્રવેશ મફત છે અને ટિકિટ 109 રૂપિયા પ્રતિ વ્યક્તિ ખરીદી શકાય છે.
