ACBએ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ કરપ્શનનો કેસ નોંધ્યો

નવી દિલ્હીઃ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ દિલ્હી સરકારની સ્કૂલોમાં 12,748 ક્લાસના બાંધકામમાં ભ્રષ્ટાચારને લઈને  આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનની વિરુદ્ધ કેસ નોંધ્યો છે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી.  મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ 2000  કરોડ રૂપિયાના મોટા કૌભાંડનો કેસ નોંધવામાં આવ્યો છે, એમ ACBએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) ની સરકાર દરમિયાન શાળાઓમાં વર્ગખંડોના બાંધકામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપો બાદ એન્ટી કરપ્શન બ્યૂરો (ACB) એ કડક કાર્યવાહી કરી છે. ACB એ ભૂતપૂર્વ નાયબ CM અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ જાહેર બાંધકામ મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. આ કેસ 12,748 વર્ગખંડો અને ઇમારતોના બાંધકામમાં 2000 કરોડ રૂપિયાના કથિત કૌભાંડ સાથે સંબંધિત છે.

ACBની તપાસમાં થયેલા ચોંકાવનારા ખુલાસા

આ ક્લાસરૂમને સેમી-પર્માનેન્ટ સ્ટ્રક્ચર (SPS) તરીકે બનાવવામાં આવ્યા હતા, જે 30 વર્ષ સુધી ટકે છે, પરંતુ ખર્ચ RCC (પાકા) વર્ગખંડો જેટલો જ હતો, જે 75 વર્ષ સુધી ટકી રહે છે. આ કોન્ટ્રેક્ટ 34 કોન્ટ્રેક્ટરોને આપવામાં આવ્યો હતો, જેમાંથી મોટા ભાગના AAP સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. આ ક્લાસનું કામ સમયસર પૂર્ણ થયું ન હતું અને ખર્ચમાં ભારે વધારો જોવા મળ્યો હતો. આ સાથે સલાહકારો અને આર્કિટેક્ટ્સની નિમણૂક કોઈ પણ નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના કરવામાં આવી હતી, જેના કારણે ખર્ચમાં વધારો થયો હતો.

સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (CVC) ના રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ બહાર આવી હતી પરંતુ તેને ત્રણ વર્ષ સુધી દબાવી દેવામાં આવી હતી.આ ફરિયાદ ભાજપના પ્રવક્તા હરીશ ખુરાના, ધારાસભ્ય કપિલ મિશ્રા અને નીલકંઠ બક્ષીએ નોંધાવી છે. એક ક્લાસરૂમનો સામાન્ય ખર્ચ પાંચ લાખ રૂપિયા હોવો જોઈએ, પરંતુ આ પ્રોજેક્ટમાં તે પ્રતિ ક્લાસરૂમ 24.86 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો.  એસપીએસ બાંધકામનો ખર્ચ પ્રતિ ચોરસ ફૂટ 2292 રૂપિયા સુધી પહોંચ્યો, જે શાળાના પાકા બાંધકામના ખર્ચ (2044-2416 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ) જેટલો છે, એમ સીવીસી અહેવાલ કહે છે.