ઔરંગઝેબની પ્રશંસા કર્યા પછી અબુ આઝમી વિધાનસભામાંથી સસ્પેન્ડ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાથી સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આસિમ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અબુ આઝમીએ ઔરંગઝેબને વિવાદિત નિવેદન આપ્યું હતું અને મુગલ શાસકની પ્રશંસા કરી હતી. શિવસેનાપ્રમુખ અ રજ્યના ડેપ્યુટી CM એકનાથ શિંદેએ અબુ આઝમીની વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવાની માગ કરી હતી.

ઓરંગઝેબને લઇને વિવાદિત નિવેદન બાદ સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને મહારાષ્ટ્ર વિધાનસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્તમાન સત્ર માટે અબુ આઝમીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર વિધાનસભા સત્રમાં મંત્રી ચંદ્રકાંત પાટિલે અબુ આઝમીને સસ્પેન્ડ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે અબુ આઝમીને ધારાસભ્યપદ પરથી હટાવવા જોઇએ ના કે એક સત્ર માટે તેમને સસ્પેન્ડ કરવા જોઈએ. છત્રપતિ શિવાજી પૂજનીય છે અને તેમનું અપમાન કરનારાઓને અમે આસાનીથી જવા નહીં દઇએ.

પાટિલે સ્પષ્ટ કર્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ધારાસભ્યોને એક સત્રથી વધુ સમય માટે સસ્પેન્ડ ના કરી શકાય. અમે તેનું આકલન કરવા માટે સમિતિની રચના કરીશું કે શું ધારાસભ્ય તરીકે અબુ આઝમનીને સસ્પેન્ડ કરી શકાય કે ના કરી શકાય?

અબુ આઝમીએ માગી માફી

 

ઓરંગઝેબ પર આપવામાં આવેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું હતું. અબુ આઝમીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે હું શિવાજી મહારાજ અને સંભાજી મહારાજ વિરુદ્ધ બોલવાનું વિચારી પણ નથી શકતો. વિવાદ વધ્યા બાદ અબુ આઝમીએ માફી પણ માગી હતી.

અબુ આઝમીએ શું કહ્યું હતું?

અબુ આઝમીએ કહ્યું હતું કે ઓરંગઝેબના શાસનકાળમાં ભારતની સરહદ અફઘાનિસ્તાન અને બર્મા સુધી પહોંચી ગઇ હતી. તેમણે દાવો કર્યો હતો કે આપણી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વિશ્વના GDPના 24 ટકા હતી અને ભારતને (ઓરંગઝેબના સમયે) સોને કી ચિડિયા કહેવામાં આવતું હતું.