ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 70 રાજકીય પક્ષોના અને અપક્ષ સાથે કુલ 1,621 ઉમેદવારો લડશેચૂંટણી

ગુજરાત વિધાનસભામાં ઉમેદવારોનું ચિત્ર સ્‍પષ્ટ થઇ ગયું છે. ગઇકાલે બીજા તબક્કાની ચૂંટણી માટે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જે બાદ રાજ્‍યની તમામ ૧૮૨ બેઠકો પર ઉમેદવારોને લઇને ચિત્ર સ્‍પષ્ટ થઇ ગયું છે. કોણ કોની સામે ચૂંટણી મેદાને છે અને કોણ-કોણ અપક્ષમાંથી લડી રહ્યું છે, તે તમામ બાબતો સ્‍પષ્ટ થઇ ગઇ છે. રાજ્‍યની ૧૮૨ બેઠક પર ૧૬૨૧ ઉમેદવારો વચ્‍ચે ખરાખરીનો જંગ જામશે. જ્‍યારે કેટલીક બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટયો હોય તેવી સ્‍થિતિ જોવા મળી રહી છે. અમુક બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્‍ચે ત્રિપાંખિયો જંગ જામતો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે. પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 30 મહિલાઓ તેમજ બીજા તબક્કામાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો ચૂંટણી લડશે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

 

પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં

રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

બીજા તબક્કામાં 93 બેઠકો પર 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો મેદાનમાં

બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764 પુરૂષ અને 69 મહિલા ઉમેદવારો છે. બીજા તબક્કામાં 285 અપક્ષોએ ઉમેદવારી નોંધાવી છે. 29 રાજકીય પક્ષોએ બન્ને તબક્કામાં પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે, જ્યારે 10 રાજકીય પક્ષોએ માત્ર પ્રથમ તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 31 રાજકીય પક્ષોએ માત્ર બીજા તબક્કામાં ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]