ભગવાનનું ભવ્ય મામેરૂં જોવા ભક્તોની ભીડ જામી

અમદાવાદ: ભગવાન જગન્નાથ, સુભદ્રાજી, બલરામજીની 147મી રથયાત્રા અષાઢી બીજે નીકળશે. શહેરની પરંપરા પ્રમાણે સરસપુરનું રણછોડજી મંદિર મોસાળ કહેવાય છે. 7મી જુલાઈએ ભવ્ય રથયાત્રા નીકળે એ પહેલાં રણછોડજી મંદિરે મામેરાનું આયોજન થાય છે. આ મામેરામાં ભગવાન જગન્નાથ માટેના વસ્ત્રો અને ઘરેણાં મૂકવામાં આવે છે. મંગળવાર, 2 જુલાઈના રોજ સરસપુર સ્થિત રણછોડજી મંદિરે ભગવાનનું ભવ્ય મામેરું યોજાયું. જેની મામેરાના યજમાન અને ભાવિક ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધામધૂમથી ઉજવણી કરી હતી. રણછોડજી મંદિર પરિસર અને આખોય વિસ્તાર કૃષ્ણમય બની ગયો હતો. ભગવાન માટે મુકાયેલા જાજરમાન મામેરાના દર્શન માટે ભજન કિર્તન સાથે લાંબી કતરોમાં ભક્તો જોડાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)