સુરત: શહેરના સચિન વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થતા કાટમાળ નીચે ૧૦ જેટલા લોકો દબાયા હોવાની આશંકા છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. જે.સી.બી.ની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે.આ બિલ્ડિંગમાં ૧૫ જેટલા લોકો રહેતા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જે ઈમારત ધરાશાયી થઈ છે તે જર્જરિત હોવાની માહિતી પણ સામે આવી છે. મહત્વની વાત એ છે કે આ બિલ્ડીંગ સાત વર્ષ પહેલા જ બની હોવાની વાતો પણ સામે આવી છે. જો આ સત્ય હોય તો આ ઈમારત બનાવવામાં હલકી કક્ષાનો માલ સામાન વપરાયો હોવાનું ફલિત થાય છે.
ચોકીદાર પાસેથી મળેલી પ્રાથમિક માહિતી અનુસાર, 30 ફ્લેટમાંથી ચાર-પાંચ ફ્લેટમાં જ લોકો રહેતા હતા. અંદર એક જ પરિવાર હતો બાકી બધાં લોકો કામ માટે બહાર ગયા હતા. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે.
(અરવિંદ ગોંડલિયા – સુરત)