અમેરિકા: ‘ગુજરાતી સિનિયર ફ્રેન્ડ સર્કલ’ (GSFC) ઑફ લોસ એન્જલસ દ્વારા ભારતના ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી બૃહદ લોસ એન્જલસ વિસ્તારના ડિઝનીલેન્ડ ફેઇમ એનાહેમ શહેરમાં કરવામાં આવી. અહીં આવેલા પ્રસિદ્ધ ‘ગાયત્રી ચેતના સેન્ટર’ ખાતે ૧૫મી ઑગસ્ટના રોજ સવારે ૧૦ વાગે ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.
ગાયત્રી ચેતના સેન્ટર, એનાહેમના અગ્રણીઓ એવા કૌશિકભાઈ પટેલ, રાજુભાઇ પટેલ, મહેશભાઈ ભટ્ટ તથા ભાનુભાઈ પંડ્યાએ સામૂહિક રીતે ધ્વજવંદન કર્યું હતું. ત્યાર બાદ સૌએ સામૂહિક રાષ્ટ્રગાન ગાયું હતું અને વંદે માતરમ્, જયહિંદના નારા ગૂંજી ઊઠ્યા હતા. સેન્ટરના સભાગૃહમાં નિકીબેન ભટ્ટએ પોતાના સુંદર સ્વરમાં રાષ્ટ્રગીતો ગાયા હતા. તેમજ ગોવિંદભાઈ પટેલ ( કવિ જેસરવાકર )એ પ્રસંગને અનુરૂપ પોતાની રચના રજૂ કરી હતી.
આ જ દિવસે ગાયત્રી મંદિરના વ્યવસ્થાપક તથા G.S.F.C ના કારોબારી સભ્ય ભાનુભાઈ પંડ્યાનો જન્મદિવસ હતો. આથી G.S.F.C.ના સૌ સભ્યો તરફથી તેમને કાન્તિભાઈ મિસ્ત્રી દ્વારા રચિત સુંદર બર્થડે કાર્ડ અર્પણ કર્યું હતું. કેક કાપીને ભાનુભાઈ પંડ્યાને અર્પણ કરવામાં આવી હતી.
જગદીશભાઈ પટેલ, રાજુભાઇ પટેલ, મહેશભાઈ ભટ્ટ તથા કૌશિકભાઈ પટેલ દ્વારા પ્રસંગોતપાત પ્રવચનો કરવામાં આવ્યાં હતાં. અંતમાં દુષ્યંતભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમની તૈયારીમાં G.S.F.C.ના અગ્રણી ચંદ્રીકાબેન, તારાબેન, ભારતીબેન, ગીતાબેન જે, ગીતાબેન ડી, રાજેશ્રીબેન અને મંદીરના સૌ બહેનો એ રસોઈ બનાવવામાં મહત્તમ સાથ આપ્યો હતો જેનો સ્વાદ માણી હાજર સૌ ગરમાગરમ ભોજનને ન્યાય આપી વિસર્જિત થયા હતા.
(માહિતી: ગુણવંતભાઈ પટેલ, કેલિફોર્નિયા)
(તસ્વીરો: કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયા )
