અમદાવાદ: ગૂજરાત વિદ્યાપીઠમાં વર્ષો જૂની પરંપાર તૂટી અને નવી પરંપરાની શરૂઆત થઈ. વર્ષોથી વિદ્યાપીઠમાં ઓક્ટોબર મહિનામાં પદવીદાન સમારોહનું આયોજન થતું હતું. આ વર્ષે પ્રથમ વખત ગુરુપૂર્ણિમાના પાવન પર્વે રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતની હાજરીમાં 70મો પદવીદાન સમારોહ યોજાયો. પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પદ્મભૂષણ રાજશ્રી બિરલા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 972 જેટલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવી. પદવીદાન સમારોહમાં 39 પીએચડી, 5 એમ.ફિલ., 457 અનુસ્નાતક, 424 સ્નાતક, 47 પી.જી. ડિપ્લોમા એમ કુલ 972 વિદ્યાર્થી ભાઈ બહેનોને ડિગ્રી એનાયત કરાઇ હતી.
આચાર્ય દેવવ્રતએ વિદ્યાર્થીઓને કહ્યું, “જીવનમાં ક્યાંય પણ જાઓ એવો આચાર, વિચાર અને વ્યવહાર રાખજો કે ગૂજરાત વિદ્યાપીઠનું ગૌરવ વધે. રાષ્ટ્રસેવા, માનવસેવા અને જીવસેવાના ભાવ સાથે, સર્વના કલ્યાણની ભાવના સાથે જીવનમાં ખૂબ પ્રગતિ કરજો.”