નવી દિલ્હીઃ સાઉદી આરબમાં 42 ભારતીયોની ખૂબ જ પીડાદાયક રીતે મોત થયાં છે. તેલંગાણાથી ગયેલા લોકોની બસ અકસ્માતનો શિકાર બની હતી. બધા લોકો હજ માટે ગયા હતા, પરંતુ એક જ ટક્કરે બધું ખતમ કરી દીધું. બસ અને ટેન્કર વચ્ચે સીધી ભીડંત થઈ હતી, જેને કારણે આગ લાગી હતી અને 42 ભારતીયો જીવતા ભસ્મ થયા હતા. AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ આ અકસ્માત વિશે મહત્વની માહિતી આપી હતી.
સાઉદી આરબમાંથી ઉમરાહ યાત્રા પર ગયેલા ભારતીય મુસાફરોની બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ ગઈ, જેમાં ઓછામાં ઓછા 42 ભારતીય શ્રદ્ધાળુઓનાં મોત થયાં હતાં. મોટા ભાગના મુસાફરો હૈદરાબાદના હતા.
પ્રાપ્ત માહિતી મુજબ બસ મક્કાથી મદીના જઈ રહી હતી. બધા મુસાફરો મક્કામાં ધાર્મિક ક્રિયાઓ પૂરી કરીને પરત મદીના તરફ જઈ રહ્યા હતા. અકસ્માત ત્યારે થયો જ્યારે બસમાં સવાર તમામ મુસાફરો ઊંઘમાં હતા. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સાઉદી અરબમાં ભારતીય ઉમરાહ યાત્રાળુઓથી ભરેલી બસ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું હતું કે તેમણે હૈદરાબાદની બે ટ્રાવેલ એજન્સીઓનો સંપર્ક કર્યો છે અને મુસાફરો વિશેની માહિતી રિયાધના ભારતીય દૂતાવાસ સાથે શેર કરી છે. તેમણે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસમાં મિશનના ઉપપ્રમુખ (DCM) અબુ માથેન જ્યોર્જ સાથે પણ વાત કરી હતી, જેમણે જણાવ્યું હતું કે તેઓ સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવવાની પ્રક્રિયામાં છે અને ટૂંક સમયમાં માહિતી આપશે.

જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પણ આ અકસ્માત અંગે ટ્વીટ કર્યું છે. તેમાં લખ્યું છે— સાઉદી આરબના મદીના નજીક ભારતીય ઉમરાહ યાત્રાળુઓ સાથે થયેલા દુઃખદ બસ અકસ્માતને ધ્યાનમાં રાખીને જેદ્દાહ સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસ ખાતે 24×7 કન્ટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.


