અમદાવાદ: વલ્લભ વિદ્યાનગરમાં આવેલા NCC ગ્રુપના હેડક્વાર્ટર ખાતે 4 ગુજરાત બટાલિયનનો સંયુક્ત વાર્ષિક ટ્રેનિંગ કેમ્પ યોજાયો. આ શિબિર 7મી જુલાઈ, 2024થી 16મી જુલાઈ 2024 સુધી થમણા ગામ ખાતે યોજાઈ. જેમાં આર્મી સિનિયર ડિવિઝન અને જુનિયર ડિવિઝન બંનેના થઈને 550 NCC કેડેટ્સે ભાગ લીધો હતો. શિબિરનો ઉદ્દેશ્ય કેડેટ્સને ‘રેજીમેન્ટેડ વે ઓફ લાઈફ’નો પરિચય કરાવવાનો હતો. જેનાથી તેમનામાં મિત્રતા, ટીમ વર્ક, નેતૃત્વની ગુણવત્તા, આત્મવિશ્વાસ, આત્મનિર્ભરતા અને શ્રમના મહત્વનો વિકાસ થાય. શિબિર દરમિયાન આ કેડેટ્સને રેન્જ ડ્રીલ, ફાયરિંગ અને વિશિષ્ટ તાલીમનો મહત્તમ અભ્યાસ કરાવવામાં આવ્યો. સાથે જ સામૂહિક જીવન, શિસ્ત, ચારિત્ર્ય, આત્મવિશ્વાસ નિર્માણ અને પ્રાથમિક સારવારની તાલીમ પણ આપવામાં આવી હતી. ભૂતપૂર્વ NCC કેડેટ્સના જૂથ EXPA (એક્સચેન્જ પાર્ટિસિપન્ટ્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા)ની ટીમે શિબિરની મુલાકાત લીધી હતી. તેમણે ભારતના આ યુવાનોને વધુ સારા કુશળ અને જવાબદાર નાગરિક બનવા તરફ વિકાસ કરવાના ઉદ્દેશ્યો પર ભાર મૂક્યો હતો. આ NCC કેડેટ્સ શિબિરમાં મેળવેલા જ્ઞાન અને પ્રેક્ટિકલ ટ્રેનિંગનો વાસ્તવમાં ઉપયોગ કરવા માટે ખુબ જ ઉત્સાહિત છે.