VIDEO: કોઈ દેવું કરીને તો, કોઈ ફ્લેટ વેચીને પહોંચ્યું હતું અમેરિકા…

અમદાવાદ: અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 33 ગુજરાતીઓ સહિત 104 ભારતીયોને ડિપોર્ટ કરાતા 5 તારીખે અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા. જ્યાંથી 33 ગુજરાતીઓ ગુરૂવારે વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના છે. જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો છે. ત્યારે પોલીસ દ્વારા તેમના વાહનમાં જ આ લોકોને તેમના વતન લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર આવેલા 33 ગુજરાતીઓની અહીં પૂછપરછ કરવામાં આવી ન હતી. પરંતુ, તેઓના વતનમાં લઈ ગયા બાદ જે તે જિલ્લાની એલ.સી.બી. કચેરીઓ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવશે.

પરિવારને યુરોપ ટ્રિપ વિશે જણાવીને દીકરી અમેરિકા પહોંચી

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં રહેતા કનુભાઈની પુત્રી નિકિતા પણ પરત ફરી છે. આ અંગે યુવતીના પિતા કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે તેમની પુત્રી વિજાપુરના બે મિત્રો સાથે યુરોપ ગઈ હતી. પરંતુ તેણે પરિવારને જણાવ્યું ન હતું કે તે અમેરિકા ગઈ છે. નિકિતાના અમેરિકાથી પરત ફરવાના સમાચારથી પરિવાર નારાજ છે.

નિકિતાના પિતાએ વધુમાં જણાવ્યું કે નિકિતા 1 મહિના પહેલા બે મિત્રો સાથે વિઝા પર યુરોપ ગઈ હતી. ત્યાર બાદ અમારી છેલ્લી વાત 14-15 ફેબ્રુઆરીએ થઈ હતી. તે સમયે યુરોપમાં રહેવાનો કોઈ પ્રશ્ન ન હતો. અમેરિકા જવાનો પણ કોઈ પ્રશ્ન ન હતો. અમને મીડિયા દ્વારા ખબર પડી કે ગુજરાતમાંથી 33 લોકોને પાછા મોકલવામાં આવી રહ્યા છે. તેણીએ તાજેતરમાં જ એમ.એસ.સી. પૂર્ણ કર્યું છે પરંતુ અહીં કોઈ નોકરી મળી નથી, તે સિવાય અમને ખબર પણ નહોતી કે નિકિતા આગળ શું કરવા જઈ રહી છે.

અમેરિકા કેવી રીતે ગયો જાણકારી નથી

આ સાથે ગાંધીનગર જિલ્લાના બોરું ગામના ગોહિલ પરિવારના ત્રણ સભ્યો પણ અમેરિકાથી ભારત પરત ફર્યા છે. જેમાં કરણસિંહ ગોહિલ, તેમના પત્ની મિત્તલબહેન અને પુત્રનો સમાવેશ થાય છે. આ ત્રણ લોકો એક મહિના પહેલા જ અમેરિકા ગયા હતા. ગામ લોકોનું કહેવું છે કે કરણ અમેરિકા ગયો છે તેની તેમને કોઈ માહિતી નથી. તેમણે કહ્યું કે તેમના પરિવાર પાસે પૈતૃક જમીન છે અને તે ઉપરાંત તેમનો દીકરો પણ અહીં નાની-મોટી નોકરીઓ કરતો હતો.

કેતુલ પટેલ ફ્લેટ વેચીને પરિવાર સાથે અમેરિકા ગયા હતા

તેવી જ રીતે, સુરતના ડિંડોલીમાં રહેતા કેતુલ પટેલના પરિવારને પણ અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવ્યો છે. આ લોકો એક વર્ષ પહેલા પોતાનો ફ્લેટ વેચીને વિદેશ ગયા હતા. ફ્લેટના નવા માલિક પ્રફુલ્લ પટેલે કહ્યું કે તેમને અમેરિકામાં તેમના ગેરકાયદેસર રોકાણ વિશે માહિતી મળી છે, જેનાથી તેઓ દુઃખી થયા છે. કેતુલ પટેલે આ ન કરવું જોઈતું હતું. જો તેને અમેરિકા જવું જ હતું તો તેણે કાયદેસર રીતે અમેરિકામાં રહેવું જોઈતું હતું. કેતુલનો પરિવાર સ્વભાવે ખૂબ સારો હતો. મેં એક એજન્ટ દ્વારા તેમની પાસેથી ફ્લેટ ખરીદ્યો હતો. કેતુલના પિતા હસમુખ ભાઈ અમદાવાદના ખોરજમાં રહે છે. તે દરજીનું કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે હસમુખ પટેલ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કેમેરા સામે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો.