નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) એ મોટા સ્તરે છટણી કરવાની જાહેરાત કર્યા બાદથી જ કંપનીને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. હવે IT અને ITES કર્મચારી સંઘ (યુનાઇટ)એ TCS સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. એ સાથે જ કંપની પર આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે આ છટણીથી 30,000 કર્મચારી પ્રભાવિત થશે. આ વિરોધ પ્રદર્શન અને કર્મચારીઓના આક્ષેપ પર કંપનીનો નિવેદન આવ્યો છે.
TCSનું નિવેદનકંપનીએ IT કર્મચારી સંઘના દાવાનું ખંડન કર્યું છે. કંપનીનું કહેવું છે કે વૈશ્વિક વર્કફોર્સના માત્ર બે ટકા કર્મચારીઓને જ નોકરીમાંથી દૂર કરવામાં આવશે. યુનાઇટે સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. જ્યારે કંપની તેને પુનર્ગઠન (રિસ્ટ્રક્ચરિંગ) ગણાવી રહી છે. મંગળવારે ચેન્નઈ સહિત ભારતનાં અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યાં. યુનાઇટનો હજી પણ એવો દાવો છે કે TCSની આ છટણીથી 30,000 કર્મચારી પ્રભાવિત થશે. કર્મચારીઓનું આ વિરોધ પ્રદર્શન સેન્ટર ઓફ ઈન્ડિયન ટ્રેડ યુનિયનના સહકારથી થઈ રહ્યું છે. પ્રદર્શન કરી રહેલા IT કર્મચારીઓનું કહેવું છે કે કંપનીએ આ છટણીનો નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
પ્રદર્શન કરી રહેલા IT કર્મચારીઓનું કહેવું છે કે કંપની વરિષ્ઠ અને મેનેજમેન્ટ સ્તરના કર્મચારીઓને નોકરીમાંથી કાઢી રહી છે. તેમની જગ્યાએ અડધાથી પણ ઓછી પગાર પર નવા કર્મચારીઓને ભરતી કરવામાં આવી રહ્યા છે. કંપની સારા કૌશલ્ય અને નેતૃત્વ ધરાવતા કર્મચારીઓને પણ નોકરીમાંથી હટાવી રહી છે, જેને કારણે ટીમોમાં અનિશ્ચિતતા વધી રહી છે.
કર્મચારી સંઘે આપી ધમકી
કર્મચારી સંઘનું કહેવું છે કે જો આ મામલે અધિકારીઓ દ્વારા હસ્તક્ષેપ નહીં કરવામાં આવે તો તેઓ આંતરરાષ્ટ્રીય વેપાર સંસ્થાઓ સાથે મળીને વૈશ્વિક સ્તરે વિરોધ પ્રદર્શન કરશે.
