મણિપુરમાં ફરી હિંસા, 3 લોકોની ગોળી મારીને હત્યા

મણિપુરના થોબલ જિલ્લામાં ત્રણ લોકોને કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને અન્ય પાંચ ઘાયલ થયા હતા, જેના પગલે રાજ્યના પાંચ ખીણ જિલ્લાઓમાં ફરી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોર બંદૂકધારીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. બંદૂકધારીઓ છદ્માવરણમાં લિલોંગ ચિંગજાઓ વિસ્તારમાં પહોંચ્યા અને સ્થાનિક લોકોને નિશાન બનાવીને ગોળીબાર કર્યો. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલા બાદ ગુસ્સે ભરાયેલા ટોળાએ ત્રણ ફોર વ્હીલરને આગ ચાંપી દીધી હતી. કાર કોની છે તે તરત જ સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે તાજેતરની હિંસા બાદ થૌબલ, ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ પશ્ચિમ, કાકચિંગ અને બિષ્ણુપુર જિલ્લામાં ફરી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે એક વીડિયો સંદેશમાં હિંસાની નિંદા કરી અને લોકોને, ખાસ કરીને લિલોંગના રહેવાસીઓને શાંતિ જાળવવા અપીલ કરી. તેમણે કહ્યું કે પોલીસ ગુનેગારોને પકડવા માટે કામ કરી રહી છે. તેની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે અને કાયદા મુજબ સજા કરવામાં આવશે. મણિપુરમાં 3 મે, 2023ના રોજ જાતિય હિંસા ફાટી નીકળ્યા ત્યારથી અત્યાર સુધીમાં 180 થી વધુ લોકો માર્યા ગયા છે અને કેટલાય લોકો ઘાયલ થયા છે. 3 મેના રોજ હિંસા ફાટી નીકળી હતી જ્યારે બહુમતી મેઇટી સમુદાયની તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગના વિરોધમાં પહાડી જિલ્લાઓમાં ‘આદિજાતિ એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું.

મણિપુરની વસ્તીના લગભગ 53 ટકા મેઇટી લોકો છે અને તેઓ મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસીઓ- નાગા અને કુકી 40 ટકાથી થોડો વધારે છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે.