છત્તીસગઢમાં 208 નક્સલીઓનું સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ

નવી દિલ્હીઃ છત્તીસગઢમાં આજે 208 નક્સલીઓએ 153 હથિયારો સાથે આત્મસમર્પણ કર્યું હતું અને હવે તેઓ પુનર્વસનની પ્રક્રિયામાંથી પસાર થશે. બસ્તરના જગદલપુરમાં 208 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કરીને મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે પોતાનાં હથિયારો નાખી દીધાં. તેમના હાથમાં ભારતના બંધારણની નકલ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે હવે આબુઝમાડનો મોટો ભાગ નક્સલ પ્રભાવથી મુક્ત થઈ જશે અને ઉત્તર બસ્તરમાં લાલ આતંકનો અંત આવશે. તેમણે કહ્યું હતું કે હવે ફક્ત દક્ષિણ બસ્તર જ બાકી છે.છત્તીસગઢના CM વિશ્વદેવ સાયએ ગુરુવારે જણાવ્યું હતું કે ઉત્તર બસ્તર અને આબુઝમાડ વિસ્તાર નક્સલ હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે, જ્યારે દક્ષિણ બસ્તરમાં આ લડત નિર્ણાયક તબક્કે પહોંચી ગઈ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુરુવારે 120 નક્સલી આત્મસમર્પણ માટે બિજાપુર પહોંચ્યા હતા, જ્યારે બુધવારે 50 નક્સલી કાંકેર જિલ્લામાં સરહદ સુરક્ષા દળ (BSF) ના કેમ્પમાં પહોંચ્યા હતા. આ તમામ 170 નક્સલી શુક્રવારે જગદલપુરમાં CM સાયની હાજરીમાં સત્તાવાર રીતે આત્મસમર્પણ કર્યું હતું.

છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓનું આત્મસમર્પણ

મુખ્ય પ્રધાને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓના આત્મસમર્પણથી એ સાબિત થાય છે કે આજે બંદૂક નહીં, પરંતુ વિશ્વાસની શક્તિ જીતે છે. સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં સાયએ લખ્યું હતું કે છેલ્લા બે દિવસમાં 258 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે, જે એનું પ્રતીક છે કે હવે બંદૂક નહીં, વિશ્વાસની શક્તિ જીતે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભારત આજે નક્સલવાદના અંતની દહેલીજ પર છે.