12 રાજ્યોના ડ્રાફ્ટમાં 13 ટકા મતદાતાઓનાં નામ દૂર

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે મંગળવારે ઉત્તર પ્રદેશની મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે. આ સાથે જ જ્યાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) પ્રક્રિયા ચાલી રહી હતી, તે તમામનો પણ ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે.

જ્યારે ચૂંટણી પંચે SIRની જાહેરાત કરી હતી ત્યારે કુલ મતદાતાઓની સંખ્યા 50 કરોડ હતી, પરંતુ SIR પછી જાહેર કરાયેલા ડ્રાફ્ટમાં મતદાતાઓની સંખ્યા લગભગ છ કરોડ ઘટીને 44.40 કરોડ રહી ગઈ છે.ઉત્તર પ્રદેશમાં SIR ડ્રાફ્ટ જાહેર કરવાની તારીખ ત્રણ વખત મુલતવી રાખવામાં આવી હતી. ડ્રાફ્ટ અનુસાર યુપીમાં કુલ મતદાતાઓની સંખ્યામાં લગભગ 19 ટકાનો ઘટાડો થયો છે, જે 15.44 કરોડથી ઘટીને 12 કરોડ થઈ ગઈ છે. આમાં 14.06 ટકા મતદાતાઓના નામ ગેરહાજર અથવા સ્થળાંતરિત હોવાને કારણે યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે, 1.65 ટકા મતદાતા એકથી વધુ સ્થળોએ નોંધાયેલા હતા અને 2.99 ટકા મતદાતાઓનાં નિધન થયાં છે.

1.4 કરોડ મતદાતાઓને મોકલાશે નોટિસ

ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી નવદીપ રિનવાએ જણાવ્યું કે ડ્રાફ્ટ યાદીમાં સામેલ 12.55 કરોડ મતદાતાઓમાંથી 1.4 કરોડ મતદાતાઓને નોટિસ મોકલવામાં આવશે, કારણ કે તેમની ચકાસણી હજુ પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે આવા લોકોને આજથી નોટિસ મળવાની શરૂઆત થશે. નોટિસમાં તે દસ્તાવેજોની યાદી હશે, જે તેઓ માર્ચમાં જાહેર થનારી અંતિમ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવવા માટે પુરાવા તરીકે જમા કરાવી શકે છે.

ઉત્તર પ્રદેશના મતદાતાઓ પાસે હવે એક મહિનાનો સમય છે, જેમાં જો કોઈ યોગ્ય મતદાતા યાદીમાંથી છૂટી ગયો હોય અથવા કોઈ અયોગ્ય મતદાતાનું નામ યાદીમાં સામેલ થઈ ગયું હોય, તો તેઓ દાવો અને આપત્તિ રજૂ કરી શકે છે। ચૂંટણી પંચે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશની અંતિમ મતદાર યાદી 6 માર્ચે પ્રકાશિત કરવામાં આવશે.