દિલ્હી-NCRમાં ભારે વરસાદને લીધે 100 ફ્લાઇટ્સ વિલંબિતઃ ચારનાં મોત

નવી દિલ્હીઃ દિલ્હી-NCRમાં  છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ભીષણ ગરમી બાદ આજે સવારે વંટોળ પછી ભારે વરસાદ પડ્યો હતો, જેને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જોકે ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાથી લોકોની ચિંતા વધી છે.  હવામાન વિભાગ (IMD)એ દિલ્હી, નોઈડા, ગુરુગ્રામ, ફરીદાબાદ અને ગાઝિયાબાદમાં પહેલી મેથી ચોથી મે સુધી તીવ્ર વંટોળ અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 60 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેને કારણે તાપમાને ઘટાડો થવાની આશા છે. IMDએ યેલો એલર્ટ જાહેર કરીને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

ભારે વરસાદને કારણે દિલ્હીથી ઊડાન ભરનાર 100થી વધુ ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં આજે તેજ પવનોને લીધે ઘણા વિસ્તારોમાં વૃક્ષો અને વીજળીના થાંભલાઓ પડવાની ઘટનાઓ ઘટી છે. રસ્તાઓ પર પાણી ભરાવાથી ટ્રાફિક પણ ભારે અસરગ્રસ્ત થયો છે. હવામાન વિભાગે નાગરિકોને ઘરમાં સુરક્ષિત રહેવાની અને અનાવશ્યક રીતે બહાર ન જવાની સલાહ આપી છે તેમ જ નબળાં બાંધકામોથી દૂર રહેવા અને વીજળી પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ખુલ્લા વિસ્તારોમાં શરણ ન લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે ભારે વરસાદ અને વંટોળ-તોફાનને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

દિલ્હીમાં ઈંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ટીન શેડનો એક ભાગ તૂટી પડ્યો હતો. અનેક ફ્લાઈટ્સના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે. ધૂળભર્યા વંટોળ અને ભારે વરસાદને કારણે આજે આશરે 120 ફ્લાઈટ્સ વિલંબિત થઈ છે. વિમાનમથકનું સંચાલન કરતી કંપની ‘દિલ્લી ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ’ (DIAL)એ જણાવ્યું કે ખરાબ હવામાનને કારણે કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે પ્રતિકૂળ હવામાનને કારણે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વિમાનોના સંચાલન પર અસર પડી છે. હવામાનના અસર ટ્રેનો પર પણ જોવા મળી છે. આશરે 25થી વધુ ટ્રેનો પણ મોડી ચાલી રહી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ ખારખરી નહેર ગામમાં ખેતરમાં બનાવેલા ટ્યુબવેલના રૂમ પર ઝાડ પડી ગયું. આ રૂમમાં કુલ પાંચ લોકો ઊંઘી રહ્યા હતા, જેમાંથી ચાર લોકોનાં મોત થયાં છે અને એક વ્યક્તિ ઘાયલ થઈ છે.