ED એ કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરી છે. એજન્સીએ કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ૩૦ સ્થળોએ કેસી વીરેન્દ્રની મિલકતો અને રહેઠાણો પર પણ દરોડા પાડ્યા હતા અને કરોડો રૂપિયા તેમજ ઘરેણાં જપ્ત કર્યા હતા. એવો આરોપ છે કે ધારાસભ્ય અનેક ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવતા હતા.
ED એ જણાવ્યું હતું કે બેંગલુરુ ટીમે શુક્રવારે ચિત્રદુર્ગ શહેરના ધારાસભ્ય કેસી વીરેન્દ્ર અને અન્ય લોકો સામે 30 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ચિત્રદુર્ગ જિલ્લામાં 6, બેંગલુરુમાં 10, જોધપુરમાં 3, હુબલીમાં એક, મુંબઈમાં બે અને ગોવામાં 8 પરિસરનો સમાવેશ થાય છે.

ગોવાના સ્થળોમાં પાંચ કેસિનોનો સમાવેશ થાય છે – પપીઝ કેસિનો ગોલ્ડ, ઓશન રિવર્સ કેસિનો, પપીઝ કેસિનો પ્રાઇડ, ઓશન 7 કેસિનો અને બિગ ડેડી કેસિનો. ગેરકાયદેસર ઓનલાઈન અને ઓફલાઈન સટ્ટાબાજી સંબંધિત કેસમાં આ દરોડા પાડવામાં આવ્યા હતા.
દુબઈથી પણ કનેક્શન મળ્યું
ઈડીએ જણાવ્યું હતું કે, તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કિંગ567, રાજા567, પપીઝ003 અને રત્ના ગેમિંગ જેવા નામોથી ઘણી ઓનલાઈન સટ્ટાબાજી સાઇટ્સ ચલાવી રહ્યો હતો. આ ઉપરાંત, આરોપીનો ભાઈ, કેસી થિપ્પાસ્વામી દુબઈથી ત્રણ વ્યવસાયિક સંસ્થાઓ ચલાવી રહ્યો છે – ડાયમંડ સોફ્ટેક, ટીઆરએસ ટેક્નોલોજીસ અને પ્રાઇમ9 ટેક્નોલોજીસ, જે કેસી વીરેન્દ્રની કોલ સેન્ટર સેવા અને ગેમિંગ કામગીરી સાથે સંકળાયેલા છે.
12 કરોડ રૂપિયા રોકડા અને દાગીના જપ્ત
ધારાસભ્યના ઘરે દરોડામાં 12 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે, જેમાં લગભગ એક કરોડ રૂપિયા વિદેશી ચલણ, 6 કરોડ રૂપિયાના સોનાના દાગીના, લગભગ 10 કિલો ચાંદીની વસ્તુઓ અને ચાર વાહનોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ઓનલાઈન ગેમિંગ બિલ સંસદમાં પસાર થયાના થોડા દિવસો પછી ઈડીની આ કાર્યવાહી કરવામાં આવી છે.




