હરમાનપ્રીત કૌરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ટીમની કેપ્ટનશીપ છોડી

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ અપાવનાર કેપ્ટન હરમનપ્રીત કૌરે મંગળવારે તમામ ફોર્મેટમાંથી ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી છે. 37 વર્ષીય હરમનપ્રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ શેર કરીને આ નિર્ણયની જાણકારી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Harmann (@imharmanpreet_kaur)

હરમનપ્રીતે તેની પોસ્ટમાં લખ્યું કે, “આ નિર્ણય લેવો સરળ નહોતો. મેં ભારતીય મહિલા ક્રિકેટ અને આ ટીમને મારું લોહી, પરસેવો, સમય અને વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ આપી છે. આજે હું ભાવુક હૃદય પરંતુ શાંત મનથી કેપ્ટનશીપ છોડી રહી છું, કારણ કે મને વિશ્વાસ છે કે મારી ટીમ યોગ્ય દિશામાં છે. કેપ્ટનશીપ ભલે આજે પૂરી થાય, પણ ભારતીય ક્રિકેટ પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય. હું એક ખેલાડી તરીકે રમવાનું ચાલુ રાખીશ.”હરમનપ્રીત કૌરે 2012માં પ્રથમ વખત કામચલાઉ ધોરણે અને 2016માં પૂર્ણકાલીન કેપ્ટન તરીકે ટીમની જવાબદારી સંભાળી હતી. તેમણે પોતાની આગેવાની હેઠળ ભારતને 5 ટેસ્ટ, 51 વનડે અને 155 T20I મેચોમાં લીડ કર્યું છે. T20 ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 92 મેચ જીતવાનો રેકોર્ડ પણ તેમના નામે છે.

ગુવાહાટીમાં BCCI સેક્રેટરી દેવાજીત સૈકિયા, હેડ કોચ અમોલ મજુમદાર, હરમનપ્રીત કૌર અને વાઈસ-કેપ્ટન સ્મૃતિ મંધાના વચ્ચે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. હરમનપ્રીતના સ્ટેપ ડાઉન કર્યા બાદ હવે ત્રણેય ફોર્મેટમાં સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના ભારતીય ટીમની નવી કેપ્ટન બને તેવી પ્રબળ શક્યતા છે.