અમદાવાદ: દવાઓ, જંતુનાશકો અને વિવિધ કેમિકલ્સને બજારમાં મૂકતા પહેલા માનવ શરીર અને પર્યાવરણ પર તેની અસર ચકાસવા માટે રેગ્યુલેટરી એજન્સીઓ દ્વારા સુરક્ષા પરિક્ષણ (Toxicity Testing) ફરજિયાત કરવામાં આવે છે. પરંપરાગત રીતે આ પરિક્ષણો માટે દર વર્ષે લાખો પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ સાથે માનવ કોષો (Human Cells) અને કોમ્પ્યુટેશનલ ટૂલ્સ આધારિત નવી પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે, જે પ્રાણીઓ પરના પરિક્ષણનો સુચિત વિકલ્પ પૂરો પાડે છે. 
આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, વાપી (ગુજરાત) સ્થિત જૈ રિસર્ચ ફાઉન્ડેશન (JRF), PETA સાયન્સ કન્સોર્ટિયમ ઇન્ટરનેશનલ e.V. અને ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન વિટ્રો સાયન્સિસ (IIVS) દ્વારા સંયુક્ત રીતે ભારતમાં પ્રથમ વખત ‘બિન-પ્રાણી વિષક્તતા પરિક્ષણ’ (Non-Animal Toxicity Testing) પર પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
૨ થી ૪ ઓક્ટોબર દરમિયાન JRF, વાપી ખાતે યોજાનારા આ મલ્ટી-ડે ટ્રેનિંગ કોર્સમાં દેશભરમાંથી લગભગ ૫૦ જેટલા વિજ્ઞાનીઓ ભાગ લઈ રહ્યા છે. આ તાલીમ દરમિયાન વિજ્ઞાનીઓને સસલા, ગિની પિગ અને ઉંદર જેવા પ્રાણીઓનો ઉપયોગ કર્યા વિના ત્વચાની એલર્જી, આંખની બળતરા, ફોટોટોક્સિસિટી અને શ્વાસ સંબંધિત વિષક્તતા માપવાની આધુનિક ટેકનીક શીખવવામાં આવશે.
આ કાર્યક્રમમાં કોર્ટેવા (Corteva) ના વિજ્ઞાનીઓએ વૈજ્ઞાનિક માર્ગદર્શન પૂરું પાડ્યું છે, જ્યારે કોલગેટ-પામોલિવ (Colgate-Palmolive) દ્વારા સહભાગીઓ માટે મુસાફરી ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત તાલીમ માટે જરૂરી ટીશ્યુ મોડેલ્સ વિશ્વની અગ્રણી ઇન વિટ્રો ટેકનોલોજી ડેવલપર્સ ‘MatTek’ અને ‘EPISKIN’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
PETA ઇન્ડિયાના સીનિયર સાયન્ટિસ્ટ ડૉ. અંકિતા પાંડેએ જણાવ્યું હતું કે, “ભારત બિન-પ્રાણી પરિક્ષણ ક્ષેત્રે વૈશ્વિક લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વિજ્ઞાનીઓને આધુનિક પદ્ધતિઓની પ્રેક્ટિકલ તાલીમ આપવાથી પ્રાણીઓ પરના જૂના પરિક્ષણોનો અંત આવશે અને માનવ સ્વાસ્થ્ય તથા પર્યાવરણની વધુ સારી સુરક્ષા થઈ શકશે.”
JRFના COO જયમિક શાહે આ પહેલને આવકારતા જણાવ્યું હતું કે, “જૈ રિસર્ચ ફાઉન્ડેશન આ ઐતિહાસિક તાલીમ કાર્યક્રમનું આયોજન કરીને ગર્વ અનુભવે છે. આ કાર્યક્રમથી ભારતીય વિજ્ઞાનીઓને માનવ-સંબંધિત આધુનિક પદ્ધતિઓનો પ્રત્યક્ષ અનુભવ મળશે, જે દેશમાં નવતર સંશોધનો અને નિયમનકારી સજ્જતાને મજબૂત બનાવશે.”
આ તાલીમ કાર્યક્રમ વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ‘IIVS પ્રેક્ટિકલ મેથડ્સ ટ્રેનિંગ કોર્સ’ પર આધારિત છે. ભારતમાં આ પ્રકારના આયોજનથી સ્થાનિક વિજ્ઞાનીઓ માટે આધુનિક તકનીકો શીખવી વધુ સુલભ બનશે.




