પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની ૯૮મી જન્મજયંતી

ગાંધીનગર: પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ પટેલની ૯૮મી જન્મજયંતી નિમિત્તે બુધવાર સવારે પાટનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે ૦૮:૩૦ થી ૦૯:૩૦ દરમિયાન ગાંધીનગર સ્થિત તેમના સમાધિ સ્થળ “નર્મદાઘાટ” પર એક વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી.આ ઉપરાંત, અમદાવાદમાં આર.ટી.ઓ. સર્કલ પાસે ચીમનભાઈ પટેલ પુલના છેડે આવેલી તેમની પ્રતિમાને પણ ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ પ્રસંગે સ્વ. ચીમનભાઈ પટેલના પુત્ર સિધ્ધાર્થભાઈ પટેલ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં નેતાઓ અને નાગરિકોએ હાજર રહીને ગુજરાતના આ લોકલાડીલા નેતાને યાદ કરીને અંજલિ આપી હતી.