ગુજરાતની આ ‘શોલે’ વિશે તમે જાણો છો?

આજથી 45 વર્ષ પહેલાં ‘શોલે’ રિલીઝ થઈ એના અઠવાડિયા બાદ જેનાં મંડાણ થયાં એ ગુજરાતી ચિત્રપટને રમેશ સિપ્પીની ‘શોલે’ સાથે કંઈ લેવાદેવા ખરી?

હા… ખરી.

હેય ફ્રેન્ડ્સ… હેડિંગ વાંચીને એવું નહીં માની લેતા કે આ તો ‘યોયો ગુજરાતી’વાળા બ્રહ્મ રાવલના ખડખડ હસાવતા સંવાદવાળી ગુજરાતી ‘શોલે’ની વાત છે.

ના, આ તો હરકિસન મહેતાની નવલકથા ‘પ્રવાહ પલટાયો’ પરથી સર્જાયેલી અને ગુજરાતી ચલચિત્રનો પ્રવાહ પલટી નાખનારી ફિલ્મની વાત છે. નામઃ ‘ડાકુરાણી ગંગા’.

હમણાં, 15 ઑગસ્ટ 2020ના દિવસે ‘શોલે’ની રિલીઝનાં 45 વર્ષ થયાની ઠેર ઠેર ઉજવણી થઈ, પરંતુ ગુજરાતી ચિત્રપટસૃષ્ટિ માટે આવી જ એક અવિસ્મરણીય ઘટના એ જ અરસામાં બનેલી એ વિશે ખાસ કંઈ લખાયું નથી. અને હા, હિંદી-ગુજરાતી સિનેમાના ઍક્ટર-ડિરેક્ટર કે.કે. ઉર્ફે કૃષ્ણકાંત ભૂખણવાળા દિગ્દર્શિત આ ફિલ્મને અને ‘શોલે’ને જોડતી એક રસપ્રદ ટ્રિવિયા પણ છે.

બન્યું એવું કે 1975મા સ્વાતંત્ર્યદિનના દિવસે ‘શોલે’ રિલીઝ થઈ એના થોડા દિવસ બાદ નાળિયેરી પૂર્ણિમાના મંગળ દિવસે ‘ડાકુરાણી ગંગા’નું મુહૂર્ત થયું. (બાય ધ વે, કર્મકાંડી બ્રાહ્મણ મંત્રોચ્ચાર કરીને નારિયેળ વધેરે ત્યાર બાદ જ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવે એનું મહત્વ કદાચ આજની ઈન્સ્ટાગ્રામ જનરેશનને ખબર નહીં હોય…

તો ચાલો, પહોંચી જઈએ પિસ્તાળીસ વર્ષ પહેલાંની રક્ષાબંધનના દિવસે મુંબઈના ‘નટરાજ સ્ટુડિયો’માં. આશરે એક હજાર મહેમાનો હાજર છે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા. કોનાં કોનાં નામ છે ગેસ્ટ લિસ્ટમાં? ફિલ્મનાં હીરો-હીરોઈન રાજીવ-રાગિણી અને દિગ્દર્શક કે.કે. થી લઈને ગુજરાતી રંગભૂમિનાં શીર્ષસ્થ નામ પ્રવીણ જોશી, સરિતા જોશી, વિજય દત્ત, લાલુ શાહ, હિંદી સિનેમાના બિગ્ગીઝ એવા શક્તિ સામંત, તાહિર હુસૈન, ગોવિંદ સરૈયા, સંગીતકાર કલ્યાણજી-આણંદજી, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર, વાંકાનેરના મહારાજા સાહેબ, મધુરીબહેન કોટક, વગેરે. સૌની નજર સ્ટુડિયોના મેન ગેટ પર છે. ત્યાંથી જ પ્રવેશવાના છે મુહૂર્ત ક્લૅપ આપનાર મુખ્ય મહેમાન.

બરાબર અગિયાર વાગ્યે શુભ ચોઘડિયામાં એક કાર સ્ટુડિયોમાં પ્રવેશી. એમાંથી ઊતર્યા અઠવાડિયા પહેલાં રિલીઝ થયેલી અને હિંદી સિનેમાના ઈતિહાસમાં માઈલસ્ટોન બનવા તરફ કૂચ કરી રહેલી ફિલ્મ ‘શોલે’ના ઠાકૂર બલદેવસિંહ એટલે કે સંજીવકુમાર. એમને જોવા-મળવા ભીડ બેકાબૂ બની ગઈ ત્યારે સફારી સુટમાં સજ્જ, કપાળ પર કંકુનો ચાંદલો ને હાથમાં 3-4 રાખડી બંધાવીને પધારેલા સંજીવભાઈએ મહેમાનોની સંખ્યા જોઈને સવાલ કર્યો કે ‘આજે કેટલી ફિલ્મનાં મુહૂર્ત છે’…? પછી હસતાં હસતાં ક્લૅપ આપ્યો.

શિરસ્તા મુજબ કલ્યાણજીભાઈએ કૅમેરાની સ્વિચ ઑન કરી અને… રાજીવ-રાગિણી પર લેવામાં આવેલો શૉટ ઓકે થયો. તાળીના ગડગડાટ, પેંડાની વહેંચણી ને ત્યાર બાદ નજીકની હોટેલમાં પાર્ટી…

21 ઑગસ્ટ, 1975ના મુહૂર્ત બાદ ‘ડાકુરાણી ગંગા’નું શૂટિંગ શરૂ થયું 15 સપ્ટેમ્બર, 1975ના રોજ વાંકાનેર પેલેસથી. રાજીવ-રાગિણી ઉપરાંત ફિલ્મના મુખ્ય કલાકારોમાં અરવિંદ પંડ્યા, અરવિંદ જોશી, ઊર્મિલા ભટ્ટ, દિનેશ હિંગુ, કિશોર જરીવાલા, બિપિન કોટક, જયંત વ્યાસ, વગેરે હતા, તો સંગીત દિલીપ ધોળકિયાનું હતું. સુરતની જેલ, ડુમસના દરિયાકિનારે, ભીમપોર, ઉકાઈ ડેમ… એમ અનેક ઠેકાણે શૂટિંગ થયું.

અને, 1976માં અમદાવાદમાં ‘ડાકુરાણી ગંગા’નો પ્રીમિયર યોજાયો. ફિલ્મ પહેલા દિવસે જ સુપરહીટ જાહેર થઈ. રસિકજનો કહેવા લાગ્યાઃ આ તો ગુજરાતની ‘શોલે’ છે. એ વર્ષે એને ગુજરાત સરકારના આઠ એવૉર્ડ્સ મળ્યા.

તો મિત્રો, હવેથી દર શુક્રવારે આપણે મનોરંજનની દુનિયાની આવી ખાટીમીઠી વાતો મમળાવીશું આ જ જગ્યાએ. ચાલો ત્યારે, મળીએ છીએ આવતા શુક્રવારે, ત્યાં સુધીઃ જયહિંદ.

(કેતન મિસ્ત્રી)