ગેરકાયદેસર મતોને ગણતરીમાં લેવાયા છેઃ ટ્રમ્પનો આરોપ

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગઈ મોડી રાતે જાહેરમાં આવ્યા હતા અને એવો આરોપ મૂક્યો હતો કે પ્રમુખપદની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો મને બીજી મુદતમાં આવતો રોકવા માટે ડેમોક્રેટ્સ દ્વારા ઘડાયેલા એક બહોળા ષડયંત્રનો હિસ્સો છે.

હજી અમુક રાજ્યોમાં મતગણતરી પૂરી થઈ નથી.

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પે એમની હરીફ ડેમોક્રેટિક પાર્ટી પર નવેસરથી આરોપ મૂક્યો છે કે તેઓ ચૂંટણીને ચોરી જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

વ્હાઈટ હાઉસ ખાતેના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે જો તમે કાયદેસર મતોની ગણતરી કરો તો હું આસાનીથી જીતી જાઉં. જો તમે ગેરકાયદેસર મતોની ગણતરી કરો તો તમે અમારી પાસેથી ચૂંટણી ચોરવાનો પ્રયત્ન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકામાં પ્રમુખ બનવા માટે કુલ 538 ઈલેક્ટોરલ વોટ્સમાંથી 270 વોટ જીતવા પડે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડન અત્યાર સુધીમાં 264 ઈલેક્ટોરલ વોટ જીતીને સરસાઈમાં છે. ટ્રમ્પના ભાગે 214 મત આવ્યા છે.

ટપાલના મતોની ગણતરી સામે ટ્રમ્પે અવાજ ઉઠાવ્યો છે. એમણે કહ્યું છે કે જે મતો મોડેથી આવ્યા હતા એની જ ગણતરીને અટકાવવા તેઓ ઈચ્છે છે. મેલ-ઈન (ટપાલ) બેલટ એકતરફી કેવી રીતે બની ગયા છે એ મને સમજાતું નથી. ‘મતગણતરી બંધ કરો’ એમ કહીને તેમણે અવાજ ઉઠાવ્યો છે.

બીજી બાઈડનનું કહેવું છે કે પ્રત્યેક મતને ગણતરીમાં લેવાવા જોઈએ. હું સૌને અપીલ કરું છું કે શાંતિ જાળવજો. પ્રક્રિયા હજી ચાલુ છે. આ તો મતદારોની ઈચ્છાનો મામલો છે.