કરતારપુર ગુરુદ્વારાનો વહીવટઃ પાકિસ્તાન સરકારના નિર્ણયથી ભારત નારાજ

ઈસ્લામાબાદ/નવી દિલ્હીઃ પાકિસ્તાન સરકારે પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લામાં આવેલા કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબનો અંકુશ પોતાને હસ્તક કરી લીધો છે. વડા પ્રધાન ઇમરાન ખાન સરકારના આ નિર્ણયથી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમિટીએ ગુરુદ્વારા દરબાર સાહિબના મેનેજમેન્ટ રાઇટ્સ ગુમાવી દીધા છે. ઈમરાન ખાન સરકારે આ હક ઈવાક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB)ને આપી દીધા છે, જે એક બિન-શીખ સંસ્થા છે.

ETPB એક સરકારી એજન્સી છે, જે વિભાજન પછી હિન્દુઓ અને શીખો દ્વારા તરછોડી દીધેલી સંપત્તિઓનો વહીવટ સંભાળે છે.

ભારતે આ પગલાની સખત ટીકા કરતાં એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે પાકિસ્તાનનો આ એકતરફી નિર્ણય બહુ નિંદનીય છે અને કરતારપુર સાહિબ કોરિડોર માટે શીખ સમુદાયની ધાર્મિક ભાવનાની વિરુદ્ધ છે. આ પ્રકારની કાર્યવાહી માત્ર પાકિસ્તાની સરકાર અને એના નેતૃત્વના ધાર્મિક અલ્પસંખ્યક સમુદાયોના અધિકારો અને કલ્યાણના સંરક્ષણના મોટા-મોટા દાવાઓની વાસ્તવિકતાને ઉજાગર કરે છે.

કરતારપુર ગુરુદ્વારાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવના અંતિમ વિશ્રામ સ્થળ તરીકે માનવામાં આવે છે. તેમણે તેમનાં જીવનનાં અંતિમ 18 વર્ષ કરતારપુરમાં વિતાવ્યાં હતાં. પાક સરકારે આ પગલું ત્યારે ઉઠાવ્યું હતું, જ્યારે ગુરુદ્વારા નવ નવેમ્બરે પહેલી વર્ષગાંઠ મનાવવાની તૈયારી કરી રહ્યું હતું. આ વર્ષે કરતારપુર સાહિબના રજિસ્ટ્રેશન હંગામી રીતે કોરોના વાઇરસના રોગચાળાને કારણે પ્રતિબંધિત કરવામાં આવ્યાં છે.