BSEને CFTC રેગ્યુલેશનમાંથી મોટી રાહત મળી

મુંબઈ તા.5 નવેમ્બર, 2020ઃ દેશના અગ્રણી અને વિશ્વના સૌથી ઝડપી એક્સચેન્જ BSEને કોમોડિટી ફ્યુચર્સ ટ્રેડિંગ કમિશન (CFTC) પાસેથી રેગ્યુલેશન 30.10માંથી મુક્તિ આપતો પત્ર મળ્યો છે. આ મુક્તિથી BSEના નિયુક્ત મેમ્બર્સને એ લાભ થશે કે CFTCના ફોરેન ફ્યુચર્સ અને ઓપ્શન્સ રુલ્સ તેમને લાગુ નહિ પડે.

CFTC રેગ્યુલેશન 30.10 હેઠળ અમેરિકા સ્થિત વ્યક્તિઓ કે જેમને તેમના દેશમાંના તુલનાત્મક નિયામક માળખાનું પાલન કરવું પડે છે તેઓ રજિસ્ટ્રેશન સહિત ચોક્કસ CFTC રેગ્યુલેશન્સમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. BSEના મેમ્બર્સ હવે અમેરિકા સ્થિત ગ્રાહકો પાસેથી ફ્યુચર્સ અને ઓપ્શન્સના ઓર્ડર્સ અને તેના સોદાઓ માટે સંબંધિત ભંડોળ ફ્યુચર્સ કમિશન મર્ચન્ટ તરીકે નોંધણી કરાવ્યા વિના પ્રાપ્ત કરી શકે છે.

CFTC 30.10માંથી મળેલી મુક્તિ વિશે BSEના ચીફ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે BSEએ તેના મેમ્બર્સ વતીથી આ રાહત માટેની અરજી કરી હતી. આ એક આવકારદાયક પગલું છે, કારણ કે તેનાથી BSEના મેમ્બર્સને લાભ થશે અને તેઓ તેમના અમેરિકાના ગ્રાહકોને ભારતના ફ્યુચર્સ અને ઓપ્શન્સ માર્કેટનો અધિક સંપર્ક પૂરો પાડી શકશે.

આ મુક્તિ  CFTCના એવા તારણ આધારિત છે કે BSEના મેમ્બર્સને લાગુ પડતા લાઈસન્સિંગ સ્ટાન્ડર્ડ્સ, લઘુતમ નાણાકીય આવશ્યકતાઓ અને અનુપાલન વિધિઓ સહિતના સ્થાનિક કાયદાઓ અને નિયમનો ગ્રાહકોને યોગ્ય સ્તરનું રક્ષણ પૂરું પાડે છે.