સ્ટાયલિશ જાસૂસ જેમ્સ બૉન્ડ ઘર બદલે છે…

મોંઘાદાટ ટક્સીડો સૂટ્સ, ટ્રાઉઝર્સ, બ્રાન્ડેડ કાળા ગોગલ્સ પહેરીને, લક્ઝુરિયસ કારમાં  વિલનનો પિછો કરતા, એને હંફાવતા જાસૂસ જેમ્સ બૉન્ડનું સરનામું હવે બદલાશે. નવું સરનામું હશેઃ ‘એમેઝોન.’ કેમ કે પુરાણા ઘરમાલિક ‘એમજીએમ સ્ટુડિયોઝ’ને બે દિવસ પહેલાં 8.45 બિલિયન ડૉલરમાં ‘એમેઝોને’ હસ્તગત કરી લીધી છે.

આમ તો ઑલમોસ્ટ દેવાળિયા કંપની ‘એમજીએએમ’ ગયા ડિસેમ્બરથી ગ્રાહક શોધતી હતી. એને એમ કે પાંચ-સાડાપાંચ બિલિયન મળે તો ભયો ભયો. આ જ ભાવમાં ‘ઍપલ’ તથા ‘કૉમકાસ્ટ’ જેવી કંપની લેવા તૈયાર હતી, પણ ‘એમેઝોને’ 40 ટકા વધારે ચૂકવીને ‘એમજીએમ’ ખરીદી લીધી. આટલી રકમમાં એને મળશે ‘ધ મેગ્નિફિસન્ટ સેવન,’ ‘12 એન્ગ્રી મેન’ અને ‘બેઝિક ઈન્સ્ટિન્ક્ટ’થી લઈને જેમ્સ બૉન્ડની ફિલ્મો, ‘રૉકી,’ ‘પિંક પેન્થર,’ વગેરે જેવી 4,000થી વધુ ફિલ્મો તથા 17,000 જેટલા ટીવી-શો. એની આગામી બૉન્ડ ફિલ્મ ડેનિયલ ક્રેગને ચમકાવતી ‘નો ટાઈમ ટુ ડાય’ની બોન્ડપ્રેમી આતુરતાપૂર્વક વાટ જોઈ રહ્યા છે. જો કે આ સોદામાં એક પેચ એવો છે કે જેમ્સ બૉન્ડ શ્રેણીની અડધોઅડધ ફિલ્મના રાઈટ્સ બાર્બરા બ્રોક્કોલી અને એમના ભાઈ માઈકલ વિલ્સનની ઈઓન પિક્ચર્સ નામની કંપની પાસે છે. જાણકારો કહે છે કે આ ગૂંચ ‘એમેઝોન’ના માલિક જેફ બેઝોસ આવનારા સમયમાં ઉકેલી કાઢશે.

 

ઓક્કે. આપણને સવાલ થાય કે જેફ બેઝોસે આવું શું કામ કર્યું હશે? મતલબ, આટલી તોતિંગ રકમ શું કામ ચૂકવી? તો, 2018માં આવેલી હૉરર કૉમેડી ‘સ્ત્રી’ના પ્રસિદ્ધ ડાયલૉગમાં થોડા ફેરફાર સાથે કહીએ તો, “વો જેફ બેઝોસ હૈ- વો કૂછ ભી કર સકતા હૈ.” ન્યૂ યૉર્ક ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ જેફ અંકલના ખીચામાં અટાણે 71 બિલિયન ડૉલર (51,56,97,85,00,000 રૂપિયા) રોકડા પડ્યા છે.

અમેરિકામાં 10 વર્ષ પહેલાં શરૂ થયેલું જેફ બેઝોસનું સ્ટ્રીમિંગ પ્લૅટફૉર્મ ‘પ્રાઈમ વિડિયો’ વરસના 119 ડૉલર અથવા મહિનાના 13 ડૉલર લઈને મેમ્બરશિપ આપે છે અને હાલ એના સાડાસત્તર કરોડ સબ્સક્રાઈબર છે. આ લોકો (ખરીદી-બરીદી કરીને) ‘એમેઝોન’ને વરસે આશરે 3000 ડૉલરનો વકરો કરાવે છે કેમ કે પ્રાઈમ મેમ્બરને ફ્રી ડિલિવરી તથા બીજા નાનામોટા લાભ મળે છે. હવે, ‘એમજીએમ’ની ખરીદી બાદ ‘પ્રાઈમ વિડિયો’ની લાઈબ્રેરી વધુ સમૃદ્ધ બનતાં એના ગ્રાહકોમાં વધારો થશે અને એ રીતે ‘એમેઝોન’ પરની ખરીદીમાં પણ. આ એ એના કટ્ટર પ્રતિસ્પર્ધી નેટફ્લિક્સ, ડિઝની પ્લસ, ઍપલ ટીવી, પેરામાઉન્ટ પ્લસ, વગેરેને જોરદાર ટક્કર આપી શકશે. બીજું શું જોઈએ?

1924માં અમેરિકામાં મનોરંજનના વેપારમાં પ્રવૃત્ત માર્કસ લોએ ‘મેટ્રો પિક્ચર્સ,’ ‘ગોલ્ડવિન પિક્ચર્સ’ અને ‘લુઈસ બી. મેયર પિક્ચર્સ’ એમ ત્રણ ફિલ્મકંપની ખરીદી ‘એમજીએમ પિકચર્સ’ (‘મેટ્રો ગોલ્ડવિન મેયર’) નામની નવી કંપની બનાવી. સ્થાપનાથી જ એની ગણના હોલિવૂડમાં બિગ ફાઈવ તરીકે ઓળખાતા માતબર સ્ટુડિયોઝ અથવા ફિલ્મનિર્માતામાં થવા લાગી.. ફિલ્મના આરંભમાં ત્રાડ નાખતો વનરાજ ‘લીઓ ધ લાયન’ ‘એમજીએમ’નું ચિહન છે.

હવે, ભારતમાં, ધારો કે, આવી કોઈ ફિલ્મકંપની ખરીદવી હોય તો કોની પાસે આવી સમૃદ્ધ લાઈબ્રેરી હશે? મદ્રાસમાં એક જમાનામાં ‘જેમિની’ કે ‘એવીએમ’ જેવી કંપનીના જંગી સ્ટુડિયો હતા ને એ નિયમિત મૂવીઝ બનાવતા. આ બાજુ મુંબઈમાં ‘આરકે સ્ટુડિયો,’ ‘બૉમ્બે ટૉકીઝ’ અને ‘ફિલ્મિસ્તાન’થી લઈને ‘બીઆર ફિલ્મ્સ,’ ‘યશરાજ,’ ‘ધર્મા પ્રોડક્શન્સ’ (કરણ જોહર), ‘વિશેષ ફિલ્મ્સ’ (મહેશ ભટ્ટ), વગેરે માતબર ફિલ્મનિર્માણ કરતા હતા. અમુક હજી કરે છે. કમનસીબે, ‘બૉમ્બે ટૉકીઝ,’ ‘આરકે,’ ‘ફિલ્માલય,’ ‘ફિલ્મિસ્તાન,’ અનેક વર્ષોથી ઠપ છે. 1970માં સ્થપાયેલી ‘યશરાજ ફિલ્મ્સ’ અત્યારે સૌથી મોટી ફિલ્મકંપની ગણાય છે. પચાસ વર્ષમાં એણે એંસીથી વધુ ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત ‘યશરાજે’ ટીવીસિરિયલ્સ પણ બનાવી છે.

જો કે ભારતમાં હોમ વિડિયોના પ્રણેતા ગણાતી કંપની ‘શેમારૂ’ પાસે હાલ સૌથી વધારે, પાંચસોથી વધુ ફિલ્મ, ટીવીશો, નાટક, વગેરેના રાઈટ્સ છે. બાકી ‘એમેઝન-એમજીએમ’ના જોડાણથી મારા જેવી ભારતીય મનોરંજનપ્રેમીને પણ જલસો પડી જવાનો એ ચોક્કસ.

કેતન મિસ્ત્રી