નવરાત્રિ નજીક આવે એટલે ગુજરાતી હૈયાં તાનમાં આવી જાય. હજી તો ચાલતાં જ શીખ્યાં હોય એવાં બાળકોથી લઈને
માંડ માંડ ચાલી શકે એવા વયોવૃદ્ધો પણ આ તહેવાર ઉત્સાહપૂર્વક ઊજવે છે. આખું વર્ષ ભલેને પગમાં દુખાવાની સમસ્યા હોય, પરંતુ ઘણા ગુજરાતી આ ઉત્સવ દરમિયાન કોઈ દુખાવા કે દર્દની ફરિયાદ વગર જાણે માતાજીના આશીર્વાદ હોય એમ ગરબે ઘૂમે છે. આ નવલા દિવસો માની આરાધના, ઉપાસના, જાપ, વ્રત, ગરબો તેમ જ રાસોત્સવ સાથે પસાર કરવા મહિનાઓ પહેલાં એની તૈયારી પણ શરૂ થઈ જાય.
આ દિવસોમાં ઉપવાસનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે આ સમય ઋતુસંક્રમણનો પણ છે. આથી આ સમયે આહાર પર ધ્યાન આપીએ તો એ દ્વારા શરીરમાં રહેલાં ઝેરી તત્ત્વોનો નાશ કરી શકાય, એને કારણે કોષો નવજીવન પામે છે અને શરીર સ્વસ્થ બની શકે છે. એ રીતે આ ગાળામાં કરવામાં આવતો ઉપવાસ એ શરીરને સ્વસ્થ રાખવા માટેનો અસરકારક ઉપચાર છે.

જાણીને નવાઈ લાગશે કે અડધા કલાક સુધી ગરબા રમવાથી લગભગ 200-250 કૅલરી બર્ન થઈ શકે છે. જો કે એનો આધાર વ્યક્તિની તીવ્રતા અને આહાર પર રાખે છે. આ પરંપરાગત ભારતીય નૃત્ય માત્ર વજન ઘટાડવામાં મદદ કરે છે એવું જ નથી, પરંતુ મસલ્સને પણ પ્રવૃત્ત રાખે છે. આ ઉપરાંત, હૃદયના સ્વાસ્થ્ય અને એકંદરે ફિટનેસમાં પણ સુધારો કરે છે.
વધુ સારી રીતે સમજવા માટે અહીં ગરબા રમવાથી થતી કૅલરી બર્ન થવાનો અંદાજ કાઢવામાં આવે તો, ગરબા અથવા દાંડિયા દર કલાકે આશરે 500 થી 600 કૅલરી બર્ન કરે છે, જ્યારે બોલરૂમ નૃત્ય દ્વારા 207-220 પ્રતિ કલાક કૅલરી બર્ન થાય છે. હિપ હોપથી ૫૩૨ કૅલરી પ્રતિ કલાક તો ઝુમ્બા કરવાથી દર કલાકે સરેરાશ ૫૦૦ કૅલરી વપરાય છે. આ પ્રમાણ ચોક્કસપણે વજન, ધૈર્ય અને નૃત્યના અનુભવ જેવાં વ્યક્તિગત પરિબળના આધારે બદલાઈ શકે છે. આનાથી પણ અંદાજ લગાડી શકાય કે ગુજરાતની આ પારંપરિક નૃત્યશૈલી ફિટનેસ માટે કેટલી અસરકારક છે. જો તમે વજન ઘટાડવા અથવા તમારી ફિટનેસ સુધારવા માગતા હો તો નવરાત્રિ દરમિયાન દિનચર્યામાં ગરબાનો સમાવેશ કરીને તમારું લક્ષ્ય પ્રાપ્ત કરવાની તક મેળવી શકો છો.

આ સમયે પ્રવાહી વધુ પ્રમાણમાં લેવું જરૂરી છે, કારણ કે ગરબા રમતી વખતે પરસેવા દ્વારા શરીરમાંથી પ્રવાહીનો નિકાલ થતો હોય છે. અગર આ સમયે પાણીનું પ્રમાણ ન જળવાય તો ચક્કર આવવાં, શ્ર્વાસ ચઢવા અને પાચનતંત્રને લગતી તકલીફો પણ થવાના ચાન્સ રહે છે. આ માટે શુદ્ધ પાણી એ સૌથી સારો વિકલ્પ છે. એ ઉપરાંત, નાળિયેરપાણી, લીંબુ શરબત અથવા મિલ્ક શેક પી શકાય.
એનર્જેટિક રહેવા માટે ફળ અને સૂકા મેવાનો ઉપયોગ કરી શકાય. પ્રોટીન પૂરતી માત્રામાં લેવાય એનું ધ્યાન રાખવું. મોટા ભાગે આ સમયે વધુપડતા તળેલા ખાદ્ય પદાર્થ તેમ જ સૉલ્ટી અને સુગરી ફૂડ લેવાતાં હોય છે, પણ એના પર અંકુશ મૂકવો. ગરબે રમીને શરીરમાં રહેલી ચરબી બાળવા ઉપરાંત ચરબીયુક્ત તળેલા નાસ્તા અને પ્રસાદના નામે વધુપડતી મીઠાઈ ન લેવી. કોલ્ડ ડ્રિન્ક, આઈસક્રીમનો પણ બને ત્યાં સુધી ત્યાગ કરવો. થાય છે એવું કે નવરાત્રિ દરમિયાન રાત્રે મોડે સુધી ગરબા રમનારા ઘણા યુવાનો રાત્રે ભૂખ લાગે ત્યારે જંક ફૂડ ખાય છે, જે શરીરમાં વધારાની કૅલરી ભરે છે.
આ સમય મેદસ્વી વ્યક્તિને વજન ઉતારવાનો પણ ચાન્સ આપે છે. કસરત, યોગ, જિમ, વગેરે સવારે વહેલા ઊઠવાની આળસને કારણે કદાચ આપણી રોજનીશીમાં ન હોય એવું બની શકે, પરંતુ આપણે ગરબે ઘૂમીને ઘણી બધી કૅલરી બાળી શકીએ છીએ. આથી જ જો આ સમયે આહાર પર અંકુશ રાખી શકાય તો આ તહેવાર વજન ઉતારવા માટે ચોક્કસ અસરકારક બની શકશે.
નવરાત્રિમાં ઉપવાસ હોય કે ન હોય, આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્યસંબંધી આહાર યોજના એટલે કે હેલ્ધી ડાયેટ પ્લાનને એક ઉદાહરણ દ્વારા આપણે સમજી શકીશું.

આહાર યોજના (સૅમ્પલ મેનુ)
વહેલી સવારે: ગરમ હૂંફાળું પાણી + લીંબુ + પલાળેલી બદામ તથા અખરોટ (૨૦ ગ્રામ).
સવારે નાસ્તો: દૂધ/ચા/કૉફી (ઓછી ખાંડવાળા) + મોરૈયો ૧૦૦ ગ્રામ.
મોડી સવારે: નાળિયેરપાણી અથવા લીંબુ શરબત.
બપોરે જમવામાં (ફરાળ હોય તો): રાજગરાના પરાંઠા બે + દૂધીનું શાક એક નાની વાટકી + દહીં કે છાશ. (ફરાળ ન હોય તો): રોટલી ત્રણ + શાક + દળ + સૅલડ + છાશ.
સાંજે: ચા અથવા કૉફી (ઓછી ખાંડવાળી). કલાક રહીને ફળ ૧૦૦ ગ્રામ.
રાત્રે ભોજન: સાબુદાણાની ખીચડી (૨૫૦ ગ્રામ) + દહીં (વેફર/ચેવડો ન લેવા) ફરાળ ન હોય તો હલકો ઓછી ચરબીયુક્ત આહાર લેવો.
સૂતાં પહેલાં: દૂધ (ખાંડ વગરનું).
આ ફક્ત કઈ રીતે આહાર લેવો એનું ઉદાહરણ છે. સારું પ્રોટીન મેળવવા માટે દૂધ તેમ જ ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કરી શકાય.
(ડાયેટીશ્યન તરીકે દસ વર્ષથી વધારે સમયનો અનુભવ ધરાવતા ડો. હીરવા ભોજાણી અમદાવાદસ્થિત એસવીપી હોસ્પિટલમાં ચીફ ડાયેટીશિયન તરીકે કાર્યરત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આહાર વિષયક પ્રોગ્રામ્સમાં સક્રિય ભાગ લેનાર ડો. હીરવા ભોજાણી આ વિષય પર નિયમિત લખતા-બોલતાં રહે છે.)


