આસામનો ‘ગાંધી મંડપ’ જ્યાં બાપુની યાદો આજે પણ જીવંત છે !

આજે ગાંધી જયંતી એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ. ભારતને ગુલામીમાંથી આઝાદી અપાવનાર અને વિશ્વભરને સત્ય-અહિંસાનો સંદેશ આપનારા બાપુ જ્યાં જતા ત્યાંના લોકોને જીવન જીવવાનો મંત્ર આપતા.
આજે એવા જ એક સ્થળ વિશે વાત કરીશું, જ્યાં ગાંધીબાપુએ સ્થાનિક મહિલાઓને કપડામાં સપના વણવાની રાહ ચીંધી હતી. વાત છે આસામના સુઆલકુચી ગામમાં આવેલા ગાંધી મંડપની.

આસામના ગુવાહાટીથી લગભગ 40 કિલોમીટરના અંતરે બ્રહ્મપુત્ર નદીના ઉત્તર કાંઠે આવેલું છે એક નાનકડું ગામ સુઆલકુચી. જો કે હવે આ ગામને સિલ્ક ગામ તરીકે નવી ઓળખ પણ મળી છે. આ ગામ કાપડ વણાટ અને રેશમ માટે વિશ્વભરમાં જાણીતું છે. આ ઓળખ માટે ગામવાસીઓ મહાત્મા ગાંધીને શ્રેય આપે છે. બાપુ બ્રહ્મપુત્ર નદીના કાંઠેથી એકવાર સુઆલકુચી પહોંચ્યા હતા. અહીં એમણે આ ગામને સપનાનું શહેર ગણાવ્યું હતું અને કહ્યું હતું કે ‘અહીં મહિલાઓ હાથથી સપના વણી લે છે’.

બ્રહ્મપુત્રાના કિનારે સુંદર રીતે બનેલો ગાંધી મંડપ આજે પણ આનો સાક્ષી છે. અહીંના લોકો ગાંધીજીની એ મુલાકાતને જીવંત રાખી છે. બાપુએ જે જગ્યાએ બેસીને લોકોને સંબોધ્યા હતા ત્યાં ચરખા કાંતતા બાપુની પ્રતિમા આજે પણ વણકરોનું મનોબળ વધારી રહી છે. અહીંના લોકો ગાંધીજીની યાત્રાનું ખૂબ જ ગર્વથી વર્ણન કરે છે.

અહીં બને છે ‘અહિંસા સિલ્ક’

ગાંધીબાપુના ‘અહિંસા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરવા માટે અહીં અહિંસા સિલ્ક પણ બનાવવામાં આવે છે. જેમાં કોઈ પણ પ્રકારના કિટાણુંની હત્યા કરવામાં નથી આવતી. ઓરી નામે ઓળખાતા આ સિલ્કની ખરી ઓળખ તો અહિંસા સિલ્ક છે. જે આસામી લોકો ગર્વથી બાપુને સમર્પિત કરે છે. કહેવાય છે કે ગાંધીબાપુ સુવાલકુંચીમાં વર્ષ 1946માં આવ્યા હતા. એ જગ્યા આજે ગાંધી મંડપ તરીકે વિશ્વખ્યાતી મેળવી રહી છે. ત્યાં બાપુ આવ્યા, જનસભા કરી, લોકોને સંબોધિત કર્યા, ચરખો કાંત્યો, બાળકો સાથે વાર્તાલાપ કર્યો, આ દરેક ક્ષણની પ્રતિમાં બનાવવામાં આવી છે અને ત્યાં બાપુની યાદગીરી રૂપે સાચવવામાં આવી છે.

આ વારસો ગાંધીજીના ઇતિહાસથી બાળકોને માહિતગાર કરશે

આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા આસામના ગાંધી મંડપના પ્રોજેક્ટના કન્સલન્ટ મયંકભાઈ કહે છે, “આ આશ્રમ બનાવવાનો ઉદ્દેશ્ય સ્થળ સાથે સંકળાયેલ વારસા અને ઐતિહાસિક મહત્વને જાળવી રાખવાનો છે. ઉપરાંત, આ સ્થળને સંભવિત પ્રવાસન સ્થળમાં રૂપાંતરિત કરવાનો પણ છે. જે બાળકો અને યુવાનોને ગાંધીજીના ઇતિહાસથી માહિતગાર કરી શકે. 2 ઓક્ટોબર ગાંધી જયંતિ પ્રસંગે આ ગાંધી મંડપને વધુ વિકસિત કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે.”

 

બાપુની હયાતીના છે સ્મરણો

 

ગાંધી મંડપ એ “રાષ્ટ્રપિતા” મોહનદાસ કરમચંદ ગાંધીની સ્મૃતિ છે. સરનિયા હિલની ટેકરી પર બનેલું આ સંગ્રહાલય ગુવાહાટીના પ્રવાસન સ્થળોમાંથી એક છે. ગાંધીજીએ સરનિયા પહાડની પ્રથમ મુલાકાત 1921માં અને છેલ્લી મુલાકાત 1946માં લીધી હતી. બાપુના વિચારો આજે પણ અહીં જીવંત છે.

હેતલ રાવ