ભારતીય ક્રિકેટપ્રેમીઓ શોકાતુર; શું ધાર્યું હતું ને શું થઈ ગયું…

એડીલેડ ઓવલમાં 10 નવેમ્બર, ગુરુવારે બીજી સેમી ફાઈનલ મેચ 10-વિકેટથી જીતીને ઈંગ્લેન્ડે ટ્વેન્ટી-20 વર્લ્ડકપ-2022ની ફાઈનલમાં રમવાનું ભારતીય ટીમનું સપનું ચકનાચૂર કરી નાખ્યું. ટીમ ઈન્ડિયાને શરમજનક રીતે સજ્જડ પરાજય આપીને ઈંગ્લેન્ડે ભારતીય ક્રિકેટપ્રેમીઓને મોટો-કાયમી આંચકો આપ્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકીપર-ઓપનર જોસ બટલરે ટોસ જીતીને પહેલા ભારતને બેટિંગ આપી હતી. ભારતે હાર્દિક પંડ્યાની ધુઆંધાર બેટિંગની મદદથી 20 ઓવરમાં 6 વિકેટે 168 રનનો ચેલેન્જિંગ સ્કોર બનાવ્યો હતો. સૌના આશ્ચર્ય વચ્ચે બટલર અને એનો ઓપનિંગ જોડીદાર એલેક્સ હેલ્સ આઉટ થયા વગર એમની ટીમને જિતાડી ગયા. બંનેએ 16 ઓવરમાં 170 રન બનાવીને મેચ જીતી લીધી. બટલર 49 બોલમાં 9 ચોગ્ગા, 3 છગ્ગાની મદદથી 80 રન કરીને નોટઆઉટ રહ્યો તો હેલ્સે 47 બોલના દાવમાં 86 રન કર્યા હતા, જેમાં સાત છગ્ગા અને ચાર ચોગ્ગા હતા. બંનેએ ભારતના બધા બોલરોની ભારે ધુલાઈ કરી દીધી હતી. એમના નિર્દય આક્રમણને કારણે સ્ટેડિયમમાં બેઠેલાં હજારો ભારતીય ચાહકોમાં સોપો પડી ગયો હતો. સૌ ડઘાઈ ગયા હતા. હવે 13 નવેમ્બરે મેલબોર્નમાં રમાનાર ફાઈનલમાં ઈંગ્લેન્ડનો મુકાબલો થશે પાકિસ્તાન સામે.

રોહિત શર્માએ કહ્યું કે ઈંગ્લેન્ડની જીતનો સંપૂર્ણ શ્રેય બટલર-હેલ્સને જાય છે. લીગ મેચોમાં અમે સારું રમ્યા, પણ આજનો દેખાવ સાવ નિરાશાજનક રહ્યો.

બટલર-હેલ્સની જોડીએ મેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો છે. એમણે સાઉથ આફ્રિકાના ક્વિન્ટન ડી કોક અને રાઈલી રુસોએ કરેલી 168-રનની ભાગીદારીના વિક્રમને તોડી નાખ્યો છે. બટલર-હેલ્સની આ ભાગીદારી આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપમાં કોઈ પણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી બની છે. ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ ફોર્મેટમાં ઈંગ્લેન્ડની સૌથી વધુ ભાગીદારીનો વિક્રમ ડેવિડ માલન અને ઓઈન મોર્ગનના નામે છે – 182 રન, જે એમણે 2019માં ન્યૂઝીલેન્ડ સામે નોંધાવ્યો હતો.

(તસવીર સૌજન્યઃ @ICC)