‘હર દિલ મુંબઈ’: જબ્બર પ્રતિસાદવાળી રહી ટાટા મુંબઈ મેરેથોન-2023

મુંબઈમાં કોરોનાવાઈરસના ફેલાવાને કારણે બંધ રખાયેલી વાર્ષિક મેરેથોન દોડ ‘ટાટા મુંબઈ મેરેથોન-2023’નું 15 જાન્યુઆરી, રવિવારે સવારે આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન ખાતેથી 18મી આવૃત્તિની મેરેથોન રેસનો આરંભ કરવામાં આવ્યો હતો.

સવારની કડકડતી ઠંડીની પરવા કર્યા વિના 55,00થી પણ વધારે લોકોએ ઉત્સાહ અને જુસ્સાપૂર્વક ભાગ લીધો હતો. એમાં યુવાન, વૃદ્ધ, દિવ્યાંગ વ્યક્તિઓનો સમાવેશ થતો હતો.

આ વખતની મેરેથોનમાં એલીટ રેસ (42 કિ.મી.)માં પુરુષોના વર્ગમાં, ઈથિઓપીયાનો હેલ લેમી વિજેતા બન્યો હતો. એણે રેસ 2 કલાક 7 મિનિટ અને 32 સેકંડમાં પૂરી કરી હતી. લેમીએ 2016માં બોસ્ટન મેરેથોન રેસ જીતી હતી. બીજા ક્રમે કેન્યાનો ફિલેમોન રોનો (02.08.44) આવ્યો હતો જ્યારે ત્રીજા ક્રમે ઈથિઓપીયાનો હેલ ઝેવડુ (02.10.23) આવ્યો હતો.

 ‘એલિટ રેસ’માં પ્રથમ આવનારને 45,000 ડોલરનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. બીજા ક્રમે આવેલાને 25,000 ડોલર, ત્રીજાને 17,000 ડોલર, ચોથાને 12,000 ડોલર અને પાંચમાને 8,000 ડોલરનું ઈનામ આપવામાં આવ્યું હતું.

 આ વખતે સાત વર્ગમાં રેસ યોજવામાં આવી હતી, જેમ કે, ફૂલ મેરેથોન એલીટ (પ્રોફેશનલ રનર્સ માટે 42 કિ.મી.), ફૂલ રેસ (42 કિ.મી.), હાફ રેસ (21 કિ.મી.), દસ કિ.મી રન, ડ્રીમ રન (5.9 કિ.મી.), સિનિયર સિટીઝન્સ રન (4.2 કિ.મી.) અને ચેમ્પિયન વિથ ડિસેબિલિટી રન (1.3 કિ.મી.) ફૂલ રેસ સીએસએમટી સ્ટેશનેથી શરૂ કરાઈ હતી. જ્યારે હાફ રેસ માહિમ રેતી બંદર ખાતેથી શરૂ કરાઈ હતી.

ભારતીયોમાં પ્રથમ નંબરે આવ્યો હતો ભૂતપૂર્વ એશિયન મેરેથોન ચેમ્પિયન અને ઓલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલો ગોપી ઠોનકલ. એણે 2 કલાક 16 મિનિટ 38 સેકંડ સાથે રેસ પૂરી કરી હતી. બીજા ક્રમે માનસિંહ અને ત્રીજા ક્રમે કાલિદાસ હિરવે આવ્યો હતો. આ ત્રણેય ભારતીયએ બે કલાક અને 20 મિનિટ કરતા ઓછા સમયમાં રેસ પૂરી કરી હતી. મહિલાઓનાં વર્ગમાં, છાવી યાદવે સૌથી ઝડપી સમય સાથે – બે કલાક 50 મિનિટ 39 સેકંડમાં રેસ પૂરી કરી હતી.

દિવ્યાંગ વ્યક્તિઓ વ્હીલચેર પર બેસીને મેરેથોનમાં સહભાગી થયાં

આ વખતની સ્પર્ધામાં 250થી વધારે સામાજિક સંસ્થાઓ સહભાગી થઈ હતી. દર વર્ષની જેમ આ વખતની મેરેથોનમાં પણ અવનવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ઘણા લોકોએ રંગબેરંગી, અનોખા ડ્રેસમાં સજ્જ થઈને ભાગ લીધો હતો. કેટલાક લોકો લેઝિમ જેવા પરંપરાગત નૃત્યો કરતા પણ જોવા મળ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સવારે 6.00 વાગ્યે લીલી ઝંડી બતાવીને રેસનો આરંભ કરાવ્યો હતો. સાથે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી, કેન્દ્રીય પ્રધાન કિરણ રિજીજુ, રેસનો બ્રાન્ડ એમ્બેસેડર અને બોલીવુડ અભિનેતા ટાઈગર શ્રોફ પણ ઉપસ્થિત હતા.